ચેમ્બુરમાં કોવિડ ઑફિસરનો સ્વાંગ રચીને ૫૪,૦૦૦ રૂપિયાની છેતરપિંડી

06 July, 2020 12:19 PM IST  |  Mumbai Desk | Agencies

ચેમ્બુરમાં કોવિડ ઑફિસરનો સ્વાંગ રચીને ૫૪,૦૦૦ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરમાં પોતાને કોવિડ-19 અધિકારી તરીકે ઓળખાવી એક વ્યક્તિ પાસેથી ૫૪,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવવા બદલ હિસ્ટરીશીટરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
અબ્દુલ શેખ ૩૦ જૂને ચેમ્બુર રેલવે સ્ટેશને જઈ રહ્યો હતો ત્યારે ૨૩ વર્ષના સોહન વાઘમારે અને તેના સાથીએ પોતાને કોવિડ-19 અધિકારી ગણાવી તેના પર આરોપ લગાવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વાઘમારે અને તેના સાથીએ શેખની થેલીની તલાશી લઈ એમાંથી એટીએમ કાર્ડ બહાર કાઢ્યું અને યેન કેન પ્રકારે એનો પીન નંબર મેળવી એટીએમમાંથી ૫૪,૦૦૦ રૂપિયા કાઢ્યા હતા. શેખે ફરિયાદ નોંધાવ્યા બાદ બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું ચેમ્બુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ સ્કેન કરતાં આરોપીની કારનો નંબર મળ્યો હતો, જેના આધારે વાઘમારેની શુક્રવારે તેના ચુનાભટ્ટીસ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી, તેનો સાથીદાર હજી પણ ફરાર છે.
અધિકારીએ જણાવ્યું હતું કે વાઘમારે સામે આઇપીસીની કલમ હેઠળ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના નામે સાયણ અને નહેરુ નગર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલા છે.
ચેમ્બુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો ફાયદો ઉઠાવી કોરોના અધિકારીનો સ્વાંગ રચીને લૂંટ ચલાવવાનો આ પ્રથમ કેસ છે.

mumbai mumbai news chembur