04 July, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
૧૫ મેએ મીરા રોડના ચેના ગામ પાસે નાકાબંધીમાં પકડાયેલા વાહનમાંથી ડ્રગ્સનો મોટો સ્ટૉક જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતાં આ અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલી આંતરરાજ્ય ગૅન્ગ હોવાનું જણાયું હતું અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. એકની ધરપકડ બાદ હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશમાંથી દોઢ મહિનામાં ગૅન્ગના ૧૫ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને વિવિધ સ્થળોએથી ૩૨૭.૬૯ કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થ અને એને બનાવવા માટે લાગતું જરૂરી કેમિકલ્સ, ત્રણ પિસ્ટલ, એક રિવૉલ્વર અને ૩૩ જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવ્યાં છે. આમ દેશભરમાં ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરતી એક મોટી ગૅન્ગના પર્દાફાશમાં દાઉદ ઇબ્રાહિમનો માણસ સલીમ ડોળા માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું છે.
લોકસભાની ચૂંટણીની આચારસંહિતા દરમ્યાન પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે ૧૫ મેએ ક્રાઇમ બ્રાન્ચ-૧ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અવિરાજ કુરાડેને માહિતી મળી હતી કે શોએબ મેમણ અને નિકોલસ નામની બે વ્યક્તિ મીરા-ભાઈંદરમાં ડ્રગ્સ વેચવા આવી રહી છે. ત્યાર બાદ પોલીસે ઘોડબંદરના ચેના વિસ્તારમાં છટકું ગોઠવીને શોએબ મેમણ અને નિકોલસને તાબામાં લીધા હતા. એમાં પોલીસને આરોપી પાસેથી બે કરોડ રૂપિયાનું લગભગ એક કિલો ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે આ આરોપીઓની પૂછપરછ કરતાં દેશવ્યાપી ચેઇનનો પર્દાફાશ થયો હતો.
આ ગૅન્ગનો પર્દાફાશ કરનાર વરિષ્ઠ પોલીસ-ઇન્સ્પેક્ટર અવિનાશ કુરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ પર મર્ડરના કેસ છે અને તેઓ જેલમાં પણ હતા. ગુજરાતમાંથી પકડાયેલો આરોપી સલીમ ડોળાનો ખાસ મિત્ર હોવાનું જણાયું છે. હાલમાં અમે આ ડ્રગ્સ રૅકેટ સાથે બીજું કોણ-કોણ જોડાયેલું છે એની તપાસ કરી રહ્યા છીએ.’