વૈભવી લાઇફસ્ટાઇલ જીવવા મોબાઇલ ચોરતો મેકૅનિકલ એન્જિનિયર પકડાયો

03 July, 2022 12:18 PM IST  |  Mumbai | Shirish Vaktania

ક્લબમાં પ્રવેશ્યા બાદ ડાન્સફ્લોર પર જઈને તે મોબાઇલની ચોરી કરતો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ આઇફોન પણ મેળવ્યા હતા, જેની પ્રત્યેકની  કિંમત લગભગ દોઢ લાખ રૂપિયાની હતી. 

આરોપી અદ્વૈત મહાડિક

સાંતાક્રુઝ-વેસ્ટમાં આવેલી ક્લબ બૉમ્બે અડ્ડામાંથી કથિત રીતે મોંઘા ફોનની ચોરી કરનારા ૨૮ વર્ષના મેકૅનિકલ એન્જિનિયરની સાંતાક્રુઝ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી છેલ્લા બે મહિનાથી આ રીતે ચોરી કરતો હતો. ક્લબમાં પ્રવેશ્યા બાદ ડાન્સફ્લોર પર જઈને તે મોબાઇલની ચોરી કરતો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ આઇફોન પણ મેળવ્યા હતા, જેની પ્રત્યેકની  કિંમત લગભગ દોઢ લાખ રૂપિયાની હતી. 
આરોપીની ઓળખ કાંદિવલી-પૂર્વમાં આકુર્લી રોડ પર નૅશનલ ઍવેન્યુ બિલ્ડિંગમાં રહેતા અને બહુરાષ્ટ્રીય કંપનીમાં એન્જિનિયરની નોકરી કરતા અદ્વૈત રાજન મહાડિક તરીકે કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેનો પગાર તેની જીવનશૈલી સાથે મેળ ખાતો ન હોવાથી તે ચોરીના રવાડે ચડી ગયો હતો. ઉપરાંત હાલમાં જ લગ્ન થયા હોવાથી તેની જવાબદારીઓ પણ વધી હતી. 
પોલીસના જણાવ્યા અનુસાર સાંતાક્રુઝ પોલીસમાં બૉમ્બે અડ્ડામાંથી એક આઇફોન સહિત મોબાઇલ ફોન ચોરાઈ જવાના લગભગ ત્રણ કેસ નોંધાયા છે. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં ૨૦૦થી ૨૫૦ લોકોની ભીડમાંથી ચોરને પકડવો મુશ્કેલ જણાતાં તેમણે એક ટીમનું ગઠન કર્યું હતું. મોબાઇલ ચોરી વીક-એન્ડમાં જ થતી હોવાથી પોલીસ ક્લબ પર પહોંચી હતી અને અદ્વૈત મહાડિકે મોબાઇલ સેરવી લીધા બાદ કાંદિવલીના તેના ઘર સુધી પીછો કર્યો હતો. પોલીસ અન્ય ક્લબમાં પણ આ જ પ્રકારના ગુના થયા છે કે નહીં એ તપાસી રહી છે. 

Mumbai mumbai news shirish vaktania