લોઅર પરેલમાં થઈ શકે છે એલ્ફિન્સ્ટનવાળી

10 October, 2022 08:23 AM IST  |  Mumbai | Rohit Parikh

ધસારાના સમયે હકડેઠઠ ભીડ થતી હોવાથી અહીં કોઈ પણ ઘડીએ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે : સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોની લોઅર પરેલ સ્ટેશન પાસેથી ગેરકાયદે ફેરિયાઓ અને પાર્કિંગને દૂર કરાવવાની જોરદાર માગણી

લોઅર પરેલ સ્ટેશનની પાસે આવેલી જીઆઇપી સ્ટોર લેનમાં પીક-અવર્સમાં લોકોની ભીડ. આવી જ હાલત અન્ય ગલીઓની પણ છે. અતુલ સાંગાણી


મુંબઈ ઃ મુંબઈમાં નરીમાન પૉઇન્ટ, બીકેસી પછી જો કોઈ એરિયા કૉર્પોરેટ હબ તરીકે જાણીતો બન્યો હોય તો એ છે  લોઅર પરેલ. આજે આ વિસ્તારની અવસ્થા ખૂબ દયનીય બની ગઈ છે. આ વિસ્તારના રહેવાસી અને દુકાનદારો કહે છે કે અમારા વિસ્તારનો મૂળભૂત વિકાસ રૂંધાયેલો હોવાથી આ વિસ્તાર અત્યારે ભારેલા અગ્નિ પર હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના બને અને અગાઉના એલ્ફિન્સ્ટન સ્ટેશન (અત્યારના પ્રભાદેવી સ્ટેશન) પર બનેલી દુર્ઘટના જેવું કંઈ થાય એ પહેલાં પ્રશાસને જાગવાની જરૂર છે.
ભૌગોલિક માળખાને લીધે આજે પણ આ વિસ્તાર ૧૦૦ વર્ષ પહેલાં હતો એવો ને એવો જ છે એમ જણાવતાં લોઅર પરેલ વ્યાપારી અસોસિએશનના પ્રમુખ નીલેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦૦ વર્ષ પહેલાંની જેમ આજે પણ અહીંની સાંકડી ગલીઓ, બિસમાર રસ્તાઓ, ચોમાસામાં પાણીનો ભરાવો, જર્જરિત મકાનો અને એમાં જીવના જોખમે જીવી રહેલા મધ્યમ વર્ગના ભાડૂતો. આજે પણ ટૅક્સીવાળાને લોઅર પરેલ સ્ટેશન માટે પૂછવામાં આવે તો તે સ્પષ્ટ ઇનકાર કરી દેશે, કારણ કે અહીંના ટ્રાફિક અને લોકોની ભીડથી તેમને પણ ડર લાગે છે. આ વિસ્તાર મહાનગરપાલિકાના જી-સાઉથ વૉર્ડમાં આવે છે જેણે આદિત્ય ઠાકરે, સચિન આહિર, સુનીલ શિંદે જેવા દિગ્ગજ વિધાનસભ્યો તથા દત્તાજી નલાવડે, મહાદેવ દેવરે, સ્નેહલ આંબેકર અને કિશોરી પેડણેકર જેવાં બાહુબલી મેયર અને નેતા આપ્યાં છે. આમ છતાં આ વિસ્તારના વિકાસ સામે દુર્લક્ષ સેવાય છે. આ વિસ્તારનો વિકાસ કેમ રૂંધાય છે, કેમ કરવામાં આવતો નથી એ એક પ્રાણપ્રશ્ન બની ગયો છે.’
વિકાસની વાત અત્યારે ભૂલી જઈએ, પણ મહાનગરપાલિકા આ વિસ્તારના ૧૫ ફુટના સાંકડા રોડ પર ૧૦ ફુટના રોડ પર અડ્ડો જમાવી બેઠેલા ફેરિયાઓને તો હટાવી શકે છેને? આ સવાલ પૂછતાં નીલેશ સાવલાએ કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં આવેલા સનમિલ રોડ, ગણપતિ કદમ માર્ગ અને જીઆઇપી સ્ટોર લેન બધા જ લોઅર પરેલ સ્ટેશનની એકદમ નજીક છે. આ બધાને રસ્તા પર કબજો કરીને બેઠેલા ગેરકાયદે ફેરિયાઓ અને ગેરકાયદે તથા અશિસ્તબદ્ધ થતા પાર્કિંગમાંથી પ્રશાસન મુક્ત કરી દે તો પણ આ વિસ્તારના રહેવાસી અને દુકાનદારો પર અહેસાન થશે. એનું કારણ એ છે કે આ રસ્તા એટલા સાંકડા છે કે ઇમર્જન્સીમાં આ વિસ્તારમાં ફાયર બ્રિગેડ, ઍમ્બ્યુલન્સ કે પોલીસ વૅન પણ ઊભી રહી શકવાની જગ્યા નથી. આ રસ્તાઓ પર ચાલી  રહેલા ધંધાઓ આજના દોરમાં પણ હપ્તાખોરી પર ચાલી રહ્યા છે. એનું કારણ એ છે કે આ ફેરિયાઓમાંથી કોઈ સ્થાનિક નથી, પરંતુ આ ફેરિયાઓને જે લોકો બેસાડી રહ્યા છે તેઓ સ્થાનિક છે. તેઓ સરકારની સારી નોકરીમાંથી અને હપ્તાખોરી બંનેમાંથી આવક રળી રહ્યા છે અને અન્યોને ત્રાસરૂપ બની રહ્યા છે. તેઓ ચોક્કસ વર્ગમાંથી આવતા હોવાથી તેમની સામે અવાજ ઉઠાવવાની કોઈ હિંમત પણ કરતું નથી. આ બધું જાણવા અને સમજવા છતાં વૉટબૅન્કની રાજનીતિને કારણે નેતાઓ અને જનતા બંને ચૂપ છે. શું કોઈ પાસે છે આ સમસ્યાના નિરાકરણ માટેનો રસ્તો કે પછી અહીં પણ ચીંચપોકલી જેવી મોટી દુર્ઘટના સર્જાય એની નેતાઓ અને પ્રશાસન રાહ જુએ છે?’ 
આવી એક ઘટનાની માહિતી આપતાં નીલેશ સાવલાએ કહ્યું હતું કે ‘મંગળવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ લોઅર પરેલ વેસ્ટ સ્ટેશનની સામે જ અચાનક જમીનની અંદરથી પસાર થતાં ઇલેક્ટ્રિસિટીના કેબલમાં શૉર્ટ-સર્કિટ થતાં આગ લાગી હતી. આ આગને દુકાનદારોની સજાગતાને કારણે તરત જ કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાં જ રજવાડી હોટેલના માલિક રજતભાઈ અને ઍન્કર નામની દુકાનના માલિક યોગેન્દ્રભાઈએ તેમના સ્ટાફ સાથે મળીને દુકાનમાં રાખવામાં  આવેલાં ફાયર એક્સ્ટિન્ગ્વિગ્વીશરથી આગને બુઝાવી દીધી હતી. એને કારણે મોટી હોનારત ટળી હતી. આ સમયે જો ફાયર બ્રિગેડની જરૂર પડી હોત તો તે કદાચ આ વિસ્તારની ભીડમાં સમયસર પહોંચવા અસમર્થ નીવડત.’  
ગણેશોત્સવમાં અમે રોજ ગણપતિબાપ્પાને પ્રાર્થના કરતા હતા કે બાપ્પા, તમે વિઘ્નહર્તા છો, અમારાં વિઘ્નો દૂર કરજો અને કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલાં અમારી સમસ્યાનો અંત લાવજો એમ જણાવતાં સ્થાનિક રહેવાસી અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના યુવાન કાર્યકર સંદીપ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મધ્ય રેલવેનું કરી રોડ અને પશ્ચિમ રેલવેનું લોઅર પરેલ, ડિલાઇલ રોડ વ્યાવસાયિક હબ બની ગયાં છે. આ બંને સ્ટેશનો પરથી રોજ લાખો લોકો અવરજવર કરે છે. વેસ્ટર્ન રેલવે પ્રશાસન દાવો કરી રહ્યું છે કે લોઅર પરેલ રોડ ઓવરબ્રિજનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં છે. આ મહિનામાં તેઓ ૭૦ ટકા કામ પૂરું કરી દેશે.’ 
આ બાંધકામ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એને કારણે લોઅર પરેલ ઈસ્ટથી વેસ્ટ સાઇડમાં જવા માટે લોકો લોઅર પરેલ સ્ટેશનના પુલનો ઉપયોગ કરે છે. પુલના નિર્માણનું કામ ચાલુ હોવાથી એક તરફની ગલી લોકોના ઉપયોગ માટે બંધ કરવામાં આવી છે જેથી સખારામ બાલાજી પવાર માર્ગ પર જીઆઇપી સ્ટોર લેન સાઇડથી હજારો લોકોની અવરજવર થાય છે. આ ઓછું હોય એમ ફેરિયાઓ અને ગેરકાયદે રીતે પાર્ક થતાં વાહનો કારણે રસ્તો સાંકડો બની જાય છે એટલે એક છેડેથી બીજે છેડે પહોંચવાનું ખુબ મુશ્કેલ થઈ જાય છે. આ ભીડમાં વૃદ્ધો અને બાળકોને ચાલવા માટે ખૂબ તકલીફ થાય છે. આ બાબતમાં એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. ટ્વિટરના માધ્મયથી પ્રધાન નીતિન ગડકરીને પણ ફરિયાદો મોકલવામાં આવી છે, પણ આજ સુધી કોઈ જ ઍૅક્શન લેવામાં આવી નથી. સાંકડા રસ્તા પર હજારોની સંખ્યામાં આવતા લોકોને કારણે ધક્કામુક્કી થાય છે જેને કારણે ગમે ત્યારે એ​લ્ફિન્સ્ટન રોડ સ્ટેશન (અત્યારનું પ્રભાદેવી સ્ટેશન) જેવી દુર્ઘટના બની શકે છે. આમ છતાં પ્રશાસન કેમ સૂતું છે એની જ સમજણ પડતી નથી.’

mumbai news lower parel