બાંદરાના જિમે બૉડી-બિલ્ડર્સ ચૅમ્પિયનનું સભ્યપદ રદ કર્યું

13 December, 2011 05:20 AM IST  | 

બાંદરાના જિમે બૉડી-બિલ્ડર્સ ચૅમ્પિયનનું સભ્યપદ રદ કર્યું



બાંદરામાં આવેલા ગોલ્ડ જિમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈશ્રી-૨૦૧૧નો ખિતાબ જીતેલા શશિકાંત હોટકરને કાઢી મૂક્યો હતો, કારણ એટલું કે તે  ફિટનેસ-ઇન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ તરીકે કામ કરે છે. તે બૉડીબિલ્ડર હોવાથી અહીંનો સભ્ય બની શકે નહીં એવું ગોલ્ડ જિમે જણાવ્યું હોવાનો આક્ષેપ પણ શશિકાંત હોટકરે મૂક્યો હતો, પરંતુ તેઓ કશું પણ લેખિતમાં આપવા રાજી ન્હોતા. ૨૦૧૧ની ૮ જૂને શશિકાંત હોટકરે ગોલ્ડ જિમની બાંદરા બ્રાન્ચનું ૧ વર્ષનું સભ્યપદ ૨૦,૪૦૦ રૂપિયા ભરીને મેળવ્યું હતું. મુંબઈશ્રી-૨૦૧૧ એક વાર જીત્યા બાદ શશિકાંત હોટકર ફરી વાર મુંબઈશ્રી-૨૦૧૨માં પણ ભાગ લેવા માગતો હતો એટલે સારી સુવિધા ધરાવતા ગોલ્ડ જિમનું સભ્યપદ લીધું હતું, પરંતુ અચાનક ગોલ્ડ જિમે તેને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. પરિણામે  શશિકાંત હોટકરે ધારાવીના લોકલ જિમમાં વર્કઆઉટ કરવું પડે છે. અહીં એસીની સુવિધા ન હોવાથી શશિકાંત હોટકર બેહોશ પણ થઈ ગયો હતો.  આ મામલે મહારાષ્ટ્ર ફિટનેસ ટ્રેઇનર્સ ઍન્ડ બૉડી-બિલ્ડર્સ અસોસિએશનના સ્થાપક પરાગ પરુલેકરે જિમના સંચાલકોને શા માટે શશિકાંત હોટકરને કાઢવામાં આવ્યો એ બાબતે પૂછપરછ કરી હતી. જોકે તેમને પણ કશુંય લેખિતમાં આપવા સંચાલકો તૈયાર ન્હોતા. ઑલ ઇન્ડિયા બૉડી-બિલ્ડર્સ અસોસિએશનના ટ્રેઝરર રાજેશ સાવંતે કહ્યું કે જો શશિકાંત હોટકર ફિટનેસ-ઇન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ હોય તો પણ તેને જિમના સભ્યપદ પરથી હટાવવાનો કોઈ અધિકાર નથી.

જિમના સત્તાવાળાઓ શું કહે છે?

ગોલ્ડ જિમના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) અલ્થિયા શાહે શશિકાંત હોટકરના બનાવ વિશે કહ્યું હતું કે ‘અમે ફિટનેસ-ઇન્ડસ્ટ્રીના કોઈ પણ  પ્રોફેશનલને અમારા જિમમાં પ્રવેશ આપતા નથી. અમારા જિમમાં ઘણા બૉડી-બિલ્ડર્સ આવતા હોય છે. શશિકાંત અહીં અન્ય લોકોને તાલીમ આપતો હતો અને પોતાને ટ્રેઇનર તરીકે પ્રમોટ કરતો હતો. બહારના કોઈ પણ ટ્રેઇનરને જિમમાં આવી પરવાનગી કેવી રીતે આપી શકાય? અહીં ઇન્ટરનૅશનલ લેવલના અનેક બૉડી-બિલ્ડરો ટ્રેઇનિંગ લેવા આવે છે. બહારની કોઈ વ્યક્તિ અહીં ટ્રેઇનિંગ આપી શકે નહીં. જિમના ટ્રેઇનર જેમણે કૉન્ટ્રેક્ટ કર્યો હોય તે જ ટ્રેઇનિંગ આપી શકે.’

વળી શશિકાંત હોટકર ટ્રેઇનિંગ આપતો હોય એવું સીસીટીવી કૅમેરાનું ફુટેજ હોવાનો દાવો પણ અલ્થિયા શાહે કર્યો હતો. જોકે આ સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરાનું ફુટેજ રિપોર્ટરને બતાવવાનો તેમણે ઇનકાર કર્યો હતો.