કસૂર કિસકા?

21 May, 2022 07:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ભાઈંદરમાં રહેતી ગુજરાતી ટીનેજર ત્રણ વખત નજીકમાં રહેતા છોકરા સાથે ભાગી ગઈ : જોકે ચોથી વખત ભાગી ગઈ અને પાછી આવી ત્યારે તે પ્રેગ્નન્ટ હોવાનું જણવા મળ્યું. ત્યાર બાદ તેનું મિસકૅરેજ થતાં તબિયત લથડી અને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડી.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : ભાઈંદર-વેસ્ટમાં રહેતી ૧૫ વર્ષની ગુજરાતી ટીનેજર છ-સાત મહિના દરમિયાન ત્રણ વખત પાસે આવેલા એક યુવક સાથે ભાગી ગઈ હતી. તેની મમ્મી કામકાજ કરતી હોવાથી એમાં વ્યસ્ત રહેતાં છોકરી યુવકને મળતી રહેતી હતી. તાજેતરમાં ફરી ટીનેજર તે યુવક સાથે ઘરેથી ભાગીને જતી રહી હતી. ત્યાર બાદ પરિવારજનોએ તેને બધે શોધતાં તે મળી ન હોવાથી તેની મમ્મી પોલીસ સ્ટેશનમાં ગઈ જતી, પરંતુ ત્યાં તેને કોઈ ખાસ મદદ મળી નહોતી. એથી મહિલાએ એમબીવીવીના કમિશનરનો સંપર્ક કરીને આ વિશે વાત કરતાં ભાઈંદર પોલીસ સ્ટેશનમાં તરત જ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી તેમ જ જે યુવક પર શંકા હતી તેનું નામ પણ આપ્યું હતું. પોલીસે છોકરાના પરિવારનો સંપર્ક કરતાં છોકરાની મમ્મી ટીનેજરને પોલીસ સ્ટેશન લાવી હતી. જોકે ટીનેજરની મમ્મીના આરોપ પ્રમાણે પોલીસે છોકરાની મમ્મીનું કોઈ સ્ટેટમેન્ટ નોંધ્યું નહોતું. દરમિયાન ટીનેજરની મેડિકલ ટેસ્ટ કરાવતાં તે પ્રેગ્નન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યારે અચાનક તેનું મિસકૅરેજ થઈ ગયું હતું અને તેની તબિયત લથડતાં ગઈ કાલે તેને કાંદિવલીની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ટીનેજરની મમ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી દીકરી એક વખત નહીં પણ ત્રણ વખત ઘરેથી જતી રહી હોવા છતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી અને દીકરીને અમને સોંપી દેતા હતા. જો પહેલી વખતમાં જ ફરિયાદ લઈને કાર્યવાહી કરી હોત તો કદાચ આજનો દિવસ જોવો પડ્યો ન હોત. આ વખતે મેં મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ કમિશનર સદાનંદ દાતેને લખીને ફરિયાદ મોકલી હતી. હું ફિલ્મલાઇનમાં કામ કરું છું. હું અને મારા પતિ થોડાં વર્ષથી અલગ રહીએ છીએ. મારી બન્ને દીકરીઓ થોડો વખત મારી સાથે તો થોડો વખત પતિ સાથે રહે છે. હું પણ ત્યાં જતી-આવતી હોઉં છું અને ખર્ચો અમે બન્ને ઉપાડીએ છીએ. ઘર ચલાવવામાં વ્યસ્ત હોવાથી એનો લાભ લઈને મારી ૧૫ વર્ષની દીકરી પાસે રહેતા છોકરાની વાતોમાં ફસાઈ ગઈ છે. એટલું જ નહીં, તેને દારૂ અને સિગારેટની પણ આદત લગાડી દીધી છે. આ પહેલાં પણ તે ત્રણ વખત ભાગી ગઈ હતી. હું જ્યારે પણ પોલીસમાં ફરિયાદ કરવા જઉં તો તેઓ છોકરાના પરિવારનો સંપર્ક કરીને દીકરીને અમને સોંપી દે છે, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. યુવકે મારી દીકરી સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો હતો અને મેં પોલીસને જાણ પણ કરી હતી, પરંતુ પોલીસે આ વિષય પર કોઈ કાર્યવાહી કરી નથી.’
તે યુવક મને ૧૨ મેએ ફોન કરીને તુમ્હારી લડકી કો કુછ કરકે ચલા જાઉંગા તબ માલૂમ પડેગા એવું બોલ્યો હતો એમ જણાવીને ટીનેજરની મમ્મીએ કહ્યું હતું કે ‘ત્યાર બાદ ૧૩ મેએ દીકરી ગાયબ થઈ ગઈ હતી. એ લોકોએ દીકરીના મગજમાં બેસાડીને રાખ્યું છે કે મમ્મીની વિરુદ્વ તારે બોલવાનું છે, તો જ તું રહી શકીશ. એથી તે મમ્મી સાથે રહેવું નથી એવું બોલે છે. જોકે હજી તે સગીર વયની છે. દીકરી ગાયબ થઈ ત્યારે તે યુવક પણ ગાયબ થઈ ગયો હતો. અમારા તો કોઈ સંબંધી અહીં રહેતા નથી એટલે મારી દીકરી બીજે ક્યાંય જઈ શકતી નથી. પોલીસે આ વખતે પણ કાર્યવાહી કરી ન હોવાથી મેં સવિસ્તર માહિતી સાથે પોલીસ કમિશનરને જાણ કરી હતી તેમ જ પોલીસ આ વખતે પણ યુવકને છોડી ન દે એટલા માટે મેં કમિશનરને વિનંતી કરી કે સગીરાને ભગાવવાની સાથે દીકરીનું મેડિકલ ચેક-અપ કરવા આવે અને તેનું શારીરિક શોષણ થયું હોય તો યુવક અને તેને સાથ આપનાર પર બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવે.’
મારી દીકરીનું જીવન ખરાબ થઈ ગયું છે એમ જણાવીને ટીનેજરની મમ્મીએ ભાવુક થઈને કહ્યું હતું કે ‘કમિશનરનો આદેશ આવતાં પોલીસ કામે લાગી હતી અને મારી દીકરીને કાઉન્સેલિંગ માટે મોકલી હતી. દીકરીનું મેડિકલ ચેક-અપ કરાવતાં તે પ્રેગ્નન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. દીકરીનું બ્રેઇન વૉશ કરાયું હોવાથી તે ઘરે આવવા તૈયાર ન હોવાથી પોલીસે તેને આશ્રમમાં મોકલી હતી. ૧૭ મેએ કાંદિવલી પોલીસ તેને હૉસ્પિટલમાં લઈ ગઈ ત્યારે તે અને પેટમાં રહેલું બાળક એકદમ ઓકે હતાં. દરમિયાન તેનું મિસકૅરેજ થઈ જતાં ૧૯ મેએ ફરી હૉસ્પિટલમાં લઈ જતાં તેને ઍડ્મિટ કરવા કહેવાયું હતું, પણ પોલીસે એમ કહીને થવા દીધી નહીં કે તેની પાસે કોણ રહેશે. ત્યાર બાદ તેને આશ્રમમાં લઈ જતાં ગઈ કાલે તેની તબિયત ખરાબ થઈ ગઈ હોવાથી ફરી હૉસ્પિટલમાં લઈ જઈને ઍડ્મિટ કરાઈ હતી. ભાઈંદરમાં રહેતા જિતેશ વોરા અને લુરા ગોમ્સ મારી મદદે હોવાથી પોલીસ હરકતમાં આવી હતી અને મારી દીકરીને ઍડ્‍‍મિટ કરાઈ હતી.’

bhayander mumbai news