07 December, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચૈત્યભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપતા દેવેન્દ્ર ફડણવીસ.
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દાદરમાં ચૈત્યભૂમિ ખાતે હજારો અનુયાયીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઇન્દુ મિલના પરિસરમાં બાબાસાહેબ આંબેડકરના ભવ્ય સ્મારકનું બાંધકામ આવતા વર્ષે ૬ ડિસેમ્બર સુધીમાં પૂરું થાય એ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.
મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૩માં ૪.૮૪ હેક્ટર પ્લૉટ પર સ્મારકના વિકાસ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટી (SPA) તરીકે નિયુક્ત કરી હતી. એનું ભૂમિપૂજન ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું.
અહીં બાબસાહેબ આંબેડકરની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવશે. સ્મારક સંકુલમાં ૧૦૦૦ સીટ ધરાવતું ઑડિટોરિયમ, કૉન્ફરન્સ હૉલ, લાઇબ્રેરી, મેડિટેશન હૉલ અને પરિક્રમા પથ તથા પાર્કિંગ જેવી સુવિધાઓ હશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ શિવાજી પાર્કમાં ચૈત્યભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ચૈત્યભૂમિ પર હેલિકૉપ્ટર દ્વારા ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવી હતી.