01 August, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગરમ પાણી પડવાથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોલીસ.
ભાઈંદર (વેસ્ટ)માં ગઈ કાલે ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં આરોપીઓની પૂછપરછ કરવા ગયેલા પાંચ પોલીસ પર ગૅસનું સિલિન્ડર અને ગરમ પાણી ફેંકવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં પાંચ પોલીસ દાઝી જવાથી તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. આ બનાવ બાદ પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિવેક સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દિવસ પહેલાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. આથી ભાઈંદર પોલીસ-સ્ટેશનની પાંચ પોલીસની ટીમ ગઈ કાલે સાંજે ફ્લાયઓવર પાસેની વાલચંદ પ્લાઝા સોસાયટીની ‘બી’ વિંગના ૨૦૪ નંબરના ફ્લૅટમાં રહેતા આરોપીઓની પૂછપરછ કરવા ગઈ હતી. આરોપીઓએ પોલીસને જવાબ આપવાને બદલે દરવાજો બંધ કરી દીધો હતો. બહાર આવવાનું વારંવાર કહ્યા બાદ પણ તેમણે દરવાજો નહોતો ખોલ્યો. આથી અમારી ટીમે દરવાજો તોડીને ફ્લૅટમાં પ્રવેશ કર્યો હતો. અમારી ટીમ ફ્લૅટની અંદર ગઈ ત્યારે આરોપીઓએ ગૅસનું સિલિન્ડર અને ધગધગતું ગરમ પાણી નાખ્યું હતું. ગરમ પાણી પેટ અને હાથ પર પડવાને લીધે બધા ગંભીર રીતે દાઝી જવાથી તેમને પંડિત ભીમસેન જોષી હૉસ્પિટલમાં ICUમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. અમે આ કેસમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.’