કર્ણાટકની જેલમાંથી ગૅન્ગસ્ટરે કર્યો હતો ઘાટકોપરના બિલ્ડરને ખંડણી માટે ફોન

22 July, 2021 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦ લાખ રૂપિયા અથવા પનવેલમાં બે ફ્લૅટ માગનાર યુસુફ બચકાનાનો ફોન ન ઉપાડતાં તેના માણસે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે છોકરે લોગ ઘૂસેંગે, ફટાકે-બિટાકે ફોંડેંગે તભી તેરે કુ અચ્છા લગેગા?

કર્ણાટકની જેલમાંથી ગૅન્ગસ્ટરે કર્યો હતો ઘાટકોપરના બિલ્ડરને ખંડણી માટે ફોન

ઘાટકોપરના એક બિલ્ડર પાસેથી ૫૦ લાખ રૂપિયાની ખંડણી અથવા તેના પનવેલમાં બની રહેલા પ્રોજેક્ટમાં બે ફ્લૅટ આપવાની માગણી કરનાર ગૅન્ગસ્ટર યુસુફ બચકાનાની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે મંગળવારે ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે તે કર્ણાટકની જેલમાં બંધ હતો અને તેણે ત્યાંથી ઘાટકોપરના બિલ્ડરને ખંડણી માટે ફોન કર્યો હતો. 
ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના જણાવ્યા મુજબ ઘાટકોપરના એ બિલ્ડરના મુંબઈ અને પનવેલમાં પ્રોજેક્ટ ચાલે છે. એ બિલ્ડરને ૧૯ મેએ ઇન્ટરનૅશનલ વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતાને યુસુફ બચકાના તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તે દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ, છોટા રાજન માટે કામ કરી ચૂક્યો છે. તેણે બિલ્ડરને ધમકી આપતાં કહ્યું હતું કે તારે જો તારા પ્રોજેક્ટ ચાલુ રાખવા હોય તો મને ૫૦ લાખ રૂપિયા આપ અથવા તારા પનવેલમાં બની રહેલા પ્રોજેક્ટમાં બે ફ્લૅટ આપવા પડશે.  
જોકે બિલ્ડરે તેની ધમકીને ગણતરીમાં ન લેતા તેને એ માટે ના પાડી દેતાં તેણે બિલ્ડરને ધમકાવતાં કહ્યું હતું કે ‘છોકરે લોગ ઘૂસેંગે, ફટાકે-બિટાકે ફોંડેંગે તભી તેરે કુ અચ્છા લગેગા.’ ત્યાર બાદ બિલ્ડરે આ બાબતને ગંભીરતાથી લઈ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આ વિશે ફરિયાદ કરી હતી.  
જોકે મામલો ખંડણીનો હોવાથી ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ પણ કેસની સમાંતર તપાસ કરી રહી હતી. એ ફોન ખરેખર યુસફ બચકાનાએ જ કર્યો હતો કે કેમ એની પહેલાં તો તપાસ કરાઈ હતી, કારણ કે યુસુફ બચકાના પહેલાં રવિ પૂજારીની ગૅન્ગ માટે કામ કરતો હતો. જોકે તપાસ કરતાં તેણે જ ફોન કર્યો હોવાનું સાબિત થયું હતું. નવાઈની વાત એ હતી કે યુસુફ બચકાના હત્યાના એક ગુનામાં હાલમાં કર્ણાટકની જેલમાં જન્મટીપની સજા ભોગવી રહ્યો છે. તેણે જેલમાંથી જ ઇન્ટરનૅશનલ વૉટ્સઍપ નંબર પરથી કૉલ કર્યો હતો. 
જોકે એમ છતાં બિલ્ડરે ખંડણી આપવા ઉત્સુકતા ન બતાવતાં યુસુફ બચકાનાના સાગરીતે લૅન્ડલાઇનથી ફોન કરીને બિલ્ડરને ધમકી આપતાં કહ્યું કે ‘યુસુફભાઈ કા ફોન ક્યું નહીં ઉઠાતા?’ એથી એ સંદર્ભે ફરી ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. 
ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે આ કેસની ઝીણવટભરી તપાસ કરી આખરે કર્ણાટકના બેલ્લારીની જેલમાં બંધ યુસુફ બચકાનાને જરૂરી કાર્યવાહી કરી પોતાના તાબામાં લીધો હતો અને ત્યાર બાદ તેની ધરપકડ કરી મુંબઈ લાવી મંગળવારે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૨૭ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.  
મુંબઈ પોલીસે કર્ણાટક પોલીસને પણ જાણ કરી છે કે યુસુફ બચકાનાએ જેલમાંથી ફોન કર્યો હતો એ બાબત ગંભીર છે. તમે એ વિશે પણ તપાસ કરો કે તેને જેલમાં ફોન કોણે આપ્યો હતો.

Mumbai mumbai news