શાહરુખના બંગલાની બાજુના બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૧૬ જણને બચાવી લેવાયા

10 May, 2022 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગમાં કોઈની જાનહાનિ કે કોઈના જખમી થવાના અહેવાલ નથી. ફાયર બ્રિગેડના જવાનો ૧૪મા માળની ઉપરના માળે ફસાયેલા ૧૬ જણને બચાવી સુર​​ક્ષિત નીચે લઈ આવ્યા હતા. 

બાંદરા-વેસ્ટના બૅન્ડ-સ્ટૅન્ડ પર આવેલા ૨૧ માળના જીવેશ બિલ્ડિંગના ૧૪મા માળે આવેલા ફ્લૅટમાં ગઈ કાલે ભયાનક આગ ફાટી નીકળી હતી.

બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના બાંદરા-વેસ્ટના બૅન્ડ-સ્ટૅન્ડ પર આવેલા બંગલા ‘મન્નત’ની બાજુમાં જ આવેલી ૨૧ માળની જીવેશ બિલ્ડિંગના ૧૪મા માળે આવેલા ફ્લૅટમાં ગઈ કાલે સાંજે ૭.૪૬ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈની જાનહાનિ કે કોઈના જખમી થવાના અહેવાલ નથી. ફાયર બ્રિગેડના જવાનો ૧૪મા માળની ઉપરના માળે ફસાયેલા ૧૬ જણને બચાવી સુર​​ક્ષિત નીચે લઈ આવ્યા હતા. 
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં ૮ ફાયર એન્જિન અને ૭ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ઇમારતના ૧૪મા માળે આગ લાગી હતી અને સામે જ દરિયો હોવાથી પવનના કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ઇમારતનો પાવર કટ કરી નાખવામાં આવ્યો હતો. આગના કારણે ધુમાડો ફેલાતાં ઉપરના માળે રહેતા રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સ્નૉર્કલની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ આદર્યા હતા. આખરે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પણ મોડી રાત સુધી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. 

ફાયર બ્રિગેડના ચીફ એચ. બી. પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આગ પર તો કાબૂ મેળવી લીધો હતો. જોકે એમ છતાં બહુ જ હીય હતી અને દીવાલો પણ ગરમ થઈ ગઈ હતી. અંદરની સાઇડમાં ખૂણેખાંચરે ક્યાક પણ આગ ન રહી જાય એ માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ૧૩ અને ૧૪ માળે ડુપ્લેક્સ ફ્લૅટ હતો એમાં એ આગ લાગી હતી. એની ઉપરના માળે ફસાયેલા રહેવાસીઓને અમારા જવાનો આગ ઓલવાયા બાદ સ્ટેરકેસ પરથી સુર​ક્ષિતપણે નીચે લઈ આવ્યા હતા.’ 

mumbai mumbai news Shah Rukh Khan