06 July, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રડી રહેલો કોહલી ચાહક
ક્રિકેટનો T20 વર્લ્ડ કપ જીતીને પાછી ફરેલી ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ વખતે માત્ર મુંબઈગરા જ મરીન ડ્રાઇવ પહોંચ્યા હતા એવું નહોતું. પોતાના ગમતા ક્રિકેટરોની એક ઝલક મેળવવા મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગમાંથી અને ગુજરાતથી અનેક લોકો મરીન ડ્રાઇવ પર આવી પહોંચ્યા હતા. એમાં વિરાટ કોહલીનો સોલાપુરથી આવેલો એક પ્રશંસક ઓમકાર પણ હતો જે વિરાટની એક ઝલક મેળવવા બહુ જ ઉત્સુક હતો. રોહિત શર્મા અને બીજા ક્રિકેટરો તેને દેખાયા હતા, પણ વિરાટ કોહલી ન દેખાયો એટલે તે એટલો હતાશ થઈ ગયો કે નાના છોકરાની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. તે ગિરદીમાં હતો એટલે લોકો હિલોળા લઈ રહ્યા હતા ત્યારે તે એમાં અટવાતાં સતત અહીંથી ત્યાં હડસેલાઈ રહ્યો હતો અને એમાં પોલીસ પણ લોકોને કન્ટ્રોલ કરવા અંદરની તરફ ધક્કા મારી રહી હતી એેનો પણ તે ભોગ બન્યો હતો. તેની ઇચ્છા વિરાટને એક વાર જોવાની હતી, પણ એ પૂરી ન થતાં તે રડી પડ્યો હતો. ગિરદીમાં તેનાં ચંપલ પણ ખોવાઈ ગયાં હતાં. લોકોના પગ તેના ખુલ્લા પગ પર પડતાં તેને વાગ્યું પણ હતું. એમ છતાં તે વિરાટની એક ઝલક મેળવવા તડપતો રહ્યો અને બસ આગળ નીકળી ગઈ હતી.