થાણેમાં રહેતા પરિવાર પાસેથી ઢોંગી બાબાએ ખંખેર્યા ૧.૬૬ કરોડ રૂપિયા

05 April, 2026 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેરલમમાં પૂજા અને ૧૨ જ્યોતિર્લિંગની યાત્રાના બહાને પડાવ્યા પૈસા : અશોક ખરાતનો ભાંડો ફૂટ્યા પછી પરિવારને શંકા ગઈ એટલે ખબર પડી છેતરપિંડીની

પ્રતીકાત્મક તસવીર

નાશિકના ઢોંગી બાબા અશોક ખરાતની ઘટના તાજી છે ત્યારે થાણેમાં વધુ એક સમાન પ્રકારનો કિસ્સો બન્યો છે. થાણેના ઘોડબંદર રોડ પર હીરાનંદાની એસ્ટેટમાં રહેતા એક પરિવાર પાસેથી મંજુનાથ શેટ્ટી નામના બાબાએ અંધશ્રદ્ધા ફેલાવીને વિવિધ પૂજાવિધિના બહાને ૧.૬૬ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ ગઈ કાલે કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. નજીકના સગાએ તેમના પર કાળો જાદુ કર્યો હોવાથી પરિવારને આર્થિક અને વ્યક્તિગત નુકસાન થઈ રહ્યું છે એવો દાવો કરીને બાબાએ કેરલમના કાસારગોડમાં વિવિધ પૂજા તેમ જ ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા કરાવવા માટે પૈસા લીધા હોવાનો આરોપ પચીસ વર્ષની પીડિત યુવતીએ ફરિયાદમાં કર્યો છે. આ કેસમાં પોલીસે બાબાની શોધખોળ હાથ ધરી છે.

કઈ રીતે છેતરાયો પરિવાર?

કાસારવડવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન પીડિત યુવતીની મમ્મીની ઓળખ ઢોંગી બાબા સાથે થઈ હતી. ત્યાર બાદ આરોપીએ પરિવારને જણાવ્યું કે પીડિતની સગી કાકી તેમના પર કાળો જાદુ કરી રહી છે જેના કારણે પરિવારને આર્થિક અને વ્યક્તિગત નુકસાન થઈ રહ્યું છે. ત્યાર બાદ આરોપીએ કેરલમના કાસારગોડના એક પૂજારીનો ઉલ્લેખ કરીને વિવિધ પૂજા તેમ જ ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા કરાવવા માટે પૈસાની માગણી કરી હતી. શરૂઆતમાં અલગ-અલગ પૂજા માટે લગભગ ૧૦ લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા. પછી આરોપીએ વધુ ભય પેદા કરીને જણાવ્યું હતું કે પૂજા અધૂરી રહેશે તો પરિવારને ગંભીર નુકસાન થઈ શકે છે. આમ આરોપીએ અલગ-અલગ કારણસર વધુ પૈસાની માગણી કરી હતી. યુવતી અને તેની માતાએ મે ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન આરોપી તથા તેની માતાના બૅન્ક-ખાતામાં કુલ ૧.૫૬ કરોડ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ સતત નવી પૂજા કરવાની જરૂર હોવાનું કહીને પૈસા માગવાનું ચાલુ રાખ્યું હતું. તાજેતરમાં અશોક ખરાત કેસ સામે આવતાં આખરે પરિવારને શંકા જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તેમણે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ કોઈ વાસ્તવિક પૂજા કર્યા વિના માત્ર ભય અને અંધશ્રદ્ધાનો લાભ લઈને મોટી રકમ પડાવી છે. આ કેસમાં ઢોંગી બાબાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai thane crime thane mumbai police