હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચ હાથ ધરશે અનિલ દેશમુખની યાચિકાની સુનાવણી

15 September, 2021 08:40 AM IST  |  Mumbai | Agency

અનિલ દેશમુખે ચાલુ મહિનાના પ્રારંભમાં પિટિશન દાખલ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા તેમને જારી કરવામાં આવેલા પાંચ સમન્સ રદ કરવાની માગણી કરી હતી.

અનિલ દેશમુખ

મુંબઈ : (પીટીઆઇ) બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને જારી કરવામાં આવેલા સમન્સ સામે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી સિંગલ જજની બેન્ચના સ્થાને (બે જજોને સમાવતી) એની ડિવિઝન બેન્ચ હાથ ધરશે.
જસ્ટિસ એસ. કે. શિન્દેની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે હાઈ કોર્ટના રજિસ્ટ્રી વિભાગ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે યાચિકાની સુનાવણી ડિવિઝન બેન્ચ દ્વારા હાથ ધરાય એ ઉચિત છે. જસ્ટિસ એસ. કે. શિન્દેએ રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને અનિલ દેશમુખની પિટિશન યોગ્ય ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અનિલ દેશમુખે ચાલુ મહિનાના પ્રારંભમાં પિટિશન દાખલ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા તેમને જારી કરવામાં આવેલા પાંચ સમન્સ રદ કરવાની માગણી કરી હતી.
ગયા સપ્તાહે જ્યારે પિટિશન સુનાવણી માટે જસ્ટિસ એસ. કે. શિન્દે સમક્ષ આવી ત્યારે ઈડી વતી ઉપસ્થિત સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતાએ રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની નોંધ તરફ હાઈ કોર્ટનું ધ્યાન દોર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ પિટિશનની સુનાવણી ડિવિઝન બેન્ચ દ્વારા થવી જોઈએ.
અનિલ દેશમુખ વતી ઉપસ્થિત સિનિયર કાઉન્સેલ વિક્રમ અને ઍડ્વોકેટ અનિકેત નિકમે જણાવ્યું હતું કે સિંગલ બેન્ચ યાચિકાની સુનાવણી કરવાનું અધિકાર ક્ષેત્ર ધરાવે છે. ત્યારે અદાલતે આ મામલાની વિચારણા કરીને આદેશ પસાર કરવાનું જણાવ્યું હતું.

Mumbai mumbai news bombay high court