અરબી સમુદ્રમાં બોટ સાથે અથડાઈ ગયું માલવાહક જહાજ, કોઈ જાનહાનિ નહીં

04 September, 2020 03:55 PM IST  |  Mumbai | Mumbai correspondent

અરબી સમુદ્રમાં બોટ સાથે અથડાઈ ગયું માલવાહક જહાજ, કોઈ જાનહાનિ નહીં

દુર્ઘટનાગ્રસ્ત બોટ ઉત્તન ચોક કિનારે પહોંચી હતી.

ભાઈંદર (વેસ્ટ)ના ઉત્તનની અબ્રાહમ નામની બોટ અરબી સમુદ્રમાં માછલી પકડવા ગઈ ત્યારે એની અથડામણ ગુજરાતના રાજકોટની દિશાએથી આવી રહેલા એક માલવાહક જહાજથી થઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બોટના અમુક ભાગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. એમ છતાંય બોટ સુરક્ષિત ઉત્તન કિનારે પર પહોંચી ગઈ છે. બોટમાં સવાર ૧૨ જણ પણ હેમખેમ પાછા વળ્યા હતા.
ભાઈંદરના ઉત્તન ચોકથી ડેનિસ ફ્રાન્સિસ મુનીસ પોતાની અબ્રાહમ બોટ લઈને ૨૮ ઑગસ્ટની સાંજે સમુદ્ર કિનારાથી લગભગ ૮૦ કિલોમીટર સમુદ્રની અંદર માછલી પકવા ગયા હતા. ૩૦ ઑગસ્ટની રાતે જમ્યા બાદ તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે રાતના લગભગ ૧૨ વાગ્યે રાજકોટની દિશાએથી એક માલવાહક જહાજ ફુલ સ્પીડથી તેમની બોટ તરફ આવતું જોવા મળ્યું હતું. એથી બોટની સુરક્ષા કરવા રાતના જાગી રહેલા બે માછીમારો તરત જ અલર્ટ થઈને બોટને ત્યાંથી દૂર કરવાના ખૂબ પ્રયત્નો કરવા લાગ્યા હતા. માછીમારો પ્રયત્નો કરતા હતા એટલામાં જ માલવાહક જહાજે બોટની પાછળની બાજુએ જોરદાર ટક્કર મારી દીધી હતી. જોકે સમયસૂચકતા દેખાડી બોટ થોડી બાજુએ કરી દીધી હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી. તેમ જ બોટમાં રહેલા ૧૨ જણનો જીવ પણ બચી ગયો હતો. જોકે દુર્ઘટનાના બે દિવસ પછી અબ્રાહમ બોટ ઉત્તન ચોક કિનારા પર પહોંચી ગઈ હતી. આ મામલે સ્થાનિક માછીમાર સંસ્થાના માધ્યમથી ઉત્તન સાગરી પોલીસ-સ્ટેશન સહિત મુંબઈ યલો ગેટ પોલીસ-સ્ટેશન, રાજ્યના મત્સ્યવિભાગના કમિશનર, શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની પાસે ફરિયાદ પણ કરવામાં આવી છે.

mumbai mumbai news