યુગાન્ડાથી આવેલી મહિલાના શરીરમાંથી કોકેન અને હેરોઇન ધરાવતી ૬૪ કૅપ્સ્યુલ મળી

04 June, 2022 10:36 AM IST  |  Mumbai | Agency

પ્રાપ્ત માહિતીના આધારે ૨૮ મેએ હાથ ધરાયેલા એક ઑપરેશનમાં યુગાન્ડાથી મુંબઈ આવી રહેલી મહિલાની ધરપકડ કરીને તેને પૂછપરછ માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તે પોતાના શરીરમાં સંતાડીને પ્રતિબંધિત ચીજો વહન કરી રહી હોવાનું તપાસ દરમ્યાન જણાયું હતું. 

યુગાન્ડાથી આવેલી મહિલાના શરીરમાંથી કોકેન અને હેરોઇન ધરાવતી ૬૪ કૅપ્સ્યુલ મળી

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૩૫ ગ્રામ હેરોઇનની ૪૯ કૅપ્સ્યુલ અને ૧૭૫ ગ્રામ કોકેનની ૧૫ કૅપ્સ્યુલ એમ કુલ ૬૪ કૅપ્સ્યુલ સાથે યુગાન્ડાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
ગેરકાયદે બજારમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત વસ્તુઓ મહિલાએ તેના શરીરમાં કૅપ્સ્યુલના રૂપમાં છુપાવી હતી, જેને બહાર કાઢવા માટે તેને ભાયખલાની જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતીના આધારે ૨૮ મેએ હાથ ધરાયેલા એક ઑપરેશનમાં યુગાન્ડાથી મુંબઈ આવી રહેલી મહિલાની ધરપકડ કરીને તેને પૂછપરછ માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તે પોતાના શરીરમાં સંતાડીને પ્રતિબંધિત ચીજો વહન કરી રહી હોવાનું તપાસ દરમ્યાન જણાયું હતું. 
પૂછપરછ દરમ્યાન તેણે વિવિધ પ્રકારની ઍડ્હેસિવ ટેપના સાવચેતીપૂર્વક ઉપયોગ દ્વારા તેના શરીરમાં ૧૧ કૅપ્સ્યુલ છુપાવવામાં આવી હોવાનું કબૂલ્યું હતું. ૧૧૦ ગ્રામ હેરોઇન ધરાવતી ઓછામાં ઓછી ૧૦ કૅપ્સ્યુલ કાઢી નાખ્યા બાદ વધુ કૅપ્સ્યુલ મેળવવા માટે તેને જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 
પ્રતિબંધિત ચીજો ધરાવતી તમામ કૅપ્સ્યુલ કાઢી લીધા બાદ મહિલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને પેડલિંગ રૅકેટની વધુ તપાસ માટે તેને એનસીબીની ઑફિસમાં લાવવામાં આવશે એમ અધિકારીએ ઉમેર્યું હતું.

Mumbai mumbai news mumbai airport