Mumbai:ગોવંડીમાં એક ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત જ્યારે 10 ઘાયલ

23 July, 2021 01:57 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બઈની નજીકના ગોવંડીમાં એક ઈમારત પડવાથી 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકોને ઈજા પહોંચી છે. ઘાયલોને મુંબઈની રાજવાડી અને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ભારે વરસાદને કારણે બનેલી ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. શુક્રવારે મુંબઈની નજીકના ગોવંડીમાં એક ઈમારત પડવાથી 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકોને ઈજા પહોંચી છે. ઘાયલોને મુંબઈની રાજવાડી અને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોધમાર વરસાદથી મહારાષ્ટ્રના કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરિ, પાલઘર, થાણે અને નાગપુરના કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

આ ઉપરાંત રાયગઢના કલઈ ગામમાં ભૂસ્ખલનને કારણે 30 લોકો ગુમ છે. એમાંથી 5 લોકોનાં મૃત્યુ થયાં છે, અન્ય લોકો હાલ પણ ફસાયેલા છે. જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે કલઈ ગામમાં ભૂસ્ખલન થયું છે. NDRFની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી છે. 

મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં વરસાદી નદીઓનું પાણી શહેરો, તાલુકાઓ અને ગામડાંમાં ઘૂસી ગયું છે. કોંકણ ડિવિઝનમાં અત્યારસુધી વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ 700 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.થાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે લાઈન વિસ્તાર 24 કલાક પાણીમાં ડૂબ્યો છે. 

રત્નાગિરિ જિલ્લામાં કજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નંદીઓએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધુ છે. જગબુડી નદી ખતરાના નિશાનથી 2 મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી અને ઉલ્હાસ નદીઓ પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે.


વરસાદને કારણે કોંકણ રેલવે રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રત્નાગિરિ જિલ્લામાં વરસાદને કારણે રેલ સર્વિસ બંધ થઈ ગઈ હતી. એનાથી અલગ-અલગ જગ્યાએ લગભગ 6 હજાર મુસાફરો ફસાયા છે. એને કાઢવા માટે NDRFની ટીમોને લગાવવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા અટવાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 મહારાષ્ટ્રના ચિપલૂન, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાલા, હિગોલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થયો છે. ચિખલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. દોરડાઓ અને હોડી દ્વારા લોકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. થાણે, પાલઘરમાં આજે પણ વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે.  આ સાથે જ ગુજરાતમાં પણ હવે પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

mumbai mumbai news govandi mumbai rains