બેદરકારી સુધરાઈની અને સજા સિનિયર સિટિઝનને

01 February, 2023 07:58 AM IST  |  Mumbai | Mehul Jethva

ખાડાને કારણે ૬૪ વર્ષનાં મહિલા ગંભીર રીતે જખમી થયાં

ઈજાગ્રસ્ત હર્ષા ઠક્કર અને એલબીએસ રોડ પર પડેલો ખાડો

‍મુંબઈ : મુલુંડમાં રહેતાં ૬૪ વર્ષનાં મહિલા પુત્રી સાથે ભાંડુપમાં ડ્રીમ મૉલ નજીક જવા માટે સ્કૂટર પર પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં એલબીએસ રોડ પર પડેલા મોટા ખાડાને જોઈને સ્કૂટર ડ્રાઇવ કરતી તેમની પુત્રીએ એકાએક બ્રેક મારી હતી. દરમ્યાન પાછળથી આવી રહેલી કાર સ્કૂટરને અથડાઈ હતી અને સિનિયર સિટિઝન મહિલા રોડ પર પડી ગયાં હતાં. એમાં તેમને હાથ, પગ અને આંખ નજીક મોટી ઈજાઓ થઈ હતી.

મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ પરની એક સોસાયટીમાં રહેતાં ૬૪ વર્ષનાં હર્ષા ઠક્કર સોમવારે સાંજે પુત્રી રિદ્ધિ સાથે ડ્રીમ મૉલ નજીક કામ હોવાથી સ્કૂટર પર પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે ડ્રીમ મૉલની સામે એલબીએસ રોડ પર પડેલા મોટા ખાડાને જોઈને સ્કૂટર ડ્રાઇવ કરતી રિદ્ધિએ એકાએક બ્રેક મારી હતી. એને કારણે પાછળ આવી રહેલી વૅગન આર કાર તેમના સ્કૂટર સાથે અથડાતાં હર્ષાબહેન સ્કૂટર પરથી નીચે પડ્યાં હતાં. એમાં તેમને હાથ, પગ અને આંખમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની ફરિયાદ હાલમાં ટ્વિટરના માધ્યમથી સ્થાનિક પ્રશાસનને કરવામાં આવી છે.

રિદ્ધિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમે ભાંડુપ સ્ટેશન નજીક કામ માટે જઈ રહ્યાં હતાં ત્યારે એકાએક રોડ પર મોટો ખાડો મને દેખાયો હતો. મારા સ્કૂટરનું આગળનું ટાયર એ ખાડામાંથી પસાર થઈ ગયું હતું, પરંતુ પાછળ બેસેલી મારી મમ્મીને કંઈ ન થાય એ માટે મેં સ્કૂટર થોડું ધીમું કર્યું હતું. એમાં પાછળથી આવી રહેલી કાર અમારા સ્કૂટરને અથડાઈ હતી જેમાં મમ્મી ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને આંખના ડૉક્ટરને બતાવવામાં આવ્યાં હતાં. બીજી ઈજાઓ માટે બીજા ડૉક્ટરો પાસે ઇલાજ ચાલુ છે.’

 મેં હાલમાં ટ‍્વિસ્ટ પર ફરિયાદ નોંધાવી છે. મારી મમ્મીના બીજા રિપોર્ટ આવ્યા બાદ આગળની ફરિયાદ કરવામાં આવશે. પાલિકા બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. એ કરવાં પહેલાં આ બધી જરૂરિયાતવાળી ચીજો પર એણે પહેલાં ધ્યાન રાખવું જોઈએ જેથી લોકોને પરેશાની ન થાય. - નિર્મલ ઠક્કર, હર્ષાબહેનના પુત્ર

mumbai mumbai news mehul jethva