24 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નાલાસોપારા-વેસ્ટમાં રહેતી ૪૬ વર્ષની મમતા દુબેએ તેની ૨૦ વર્ષની દીકરી અસ્મિતાની હત્યા કરી હતી, જેમાં તેની નાની ૧૭ વર્ષની દીકરીએ પણ મદદ કરી હતી.
જનેતા દ્વારા જ સગી દીકરીની હત્યાની આ ચોંકાવનારી ઘટના નાલાસોપારા-વેસ્ટના યશવંતનગરમાં બની હતી. અસ્મિતા અપરિણીત હતી અને છતાં તે ગર્ભવતી થવાથી મમતા વિફરી હતી. મમતાએ નાની દીકરી સાથે મળીને અસ્મિતાનું ખૂન કર્યું હતું. જોકે એ પછી મમતાએ તેને ફાંસામાં લટકાવીને પોલીસને એવી જાણ કરી કે અસ્મિતાએ આત્મહત્યા કરી છે. પોલીસે પહેલાં તો ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં અસ્મિતાનો ચહેરો સૂજેલો હતો અને તેના બન્ને હાથ પર બટકાં ભર્યાં હોવાની નિશાનીઓ હોવાથી મૃતદેહને પોલીસે પોસ્ટમૉર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલ્યો હતો. પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું કે અસ્મિતાની હત્યા કરવામાં આવી હતી. એથી પોલીસે કરડાકીથી પૂછતાં મમતાએ હત્યા કરવાનું કબૂલી લીધું હતું. નાની દીકરીએ અસ્મિતાના પગ પકડી રાખ્યા હતા અને મમતાએ દોરીથી ગળું દબાવીને તેની હત્યા કરી હતી. પોલીસે મમતાની ધરપકડ કરી હતી, જ્યારે તેની નાની દીકરીને બાળસુધારગૃહમાં મોકલી આપી હતી.