મીરા રોડમાં ૧૫૦ બેડનું જૈન ક્વૉરન્ટીન સેન્ટર શરૂ થયું

19 July, 2020 11:11 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મીરા રોડમાં ૧૫૦ બેડનું જૈન ક્વૉરન્ટીન સેન્ટર શરૂ થયું

મીરા રોડના પૂનમ વિહારમાં આવેલી હૉસ્ટેલમાં જૈન ક્વૉરન્ટીન સેન્ટરનું ઉદ્‌ઘાટન જૈન અગ્રણીએ કર્યું હતું.

મીરા-ભાઈંદરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે શંકાસ્પદ પેશન્ટ્સને રાખવા માટે કરાયેલી સુવિધા ઓછી પડી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ સહિત મીરા રોડના જૈન અગ્રણીઓએ મીરા રોડમાં રેલવે-સ્ટેશન પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ બે માળની જૈન હૉસ્ટેલમાં જૈન ક્વૉરન્ટીન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ તમામ પ્રકારની સુવિધા સાથેનું ૧૫૦ બેડનું જૈન ક્વૉરન્ટીન સેન્ટરનું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું. આ સમયે મીરા-ભાઈંદરના તમામ જૈન સંપ્રદાયના ટ્રસ્ટીગણ સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પહેલા દિવસે ચાર પેશન્ટકસને ઍડ્‌મિટ કરાયા હતા.
કોરોના-સંકટને લીધે અત્યારે સ્કૂલ-કૉલેજ બંધ છે એટલે બાપા સીતારામ મંદિર પાસે પૂનમ વિહારમાં આવેલી માતુશ્રી વિમળાબેન પૂનમચંદ દોશી વલ્લભીપુરવાળા સંચાલિત શ્રી વર્ધમાન જૈન હૉસ્ટેલમાં કોઈ વિદ્યાર્થી ન હોવાથી બંધ પડી છે. મીરા-ભાઈંદરમાં જૈનોની મોટા પ્રમાણમાં વસ્તી હોવાથી કોરોના-સંકટમાં તેમને લાભ મળે એ માટે આ જગ્યાનો ઉપયોગ જૈન ક્વૉરન્ટીન સેન્ટર તરીકે કરવાનો વિચાર વિધાનસભ્ય ગીતા જૈન તથા કેટલાક જૈન અગ્રણીઓને આવતાં તેમણે આ માટેની સુવિધા ઊભી કરવા માટેની વ્યવસ્થા આરંભી હતી.
તમામ તૈયારીઓ પૂરી થઈ ગયા બાદ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે જૈન ક્વૉરન્ટીન સેન્ટરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મીરા-ભાઈંદર સહિત મુંબઈના કેટલાક જૈન સંઘના એક-એક ટ્રસ્ટી-સંચાલક તથા અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને હાજર રહ્યા હતા.
વિધાનસભ્ય ગીતા જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી જૈન સમાજના લોકો પણ એમાં સપડાઈ રહ્યા છે. મોટા ભાગનાં ક્વૉરન્ટીન સેન્ટર ફુલ થઈ ગયાં હોવાથી અમે સમાજના લોકોને ફ્રીમાં તમામ સુવિધા મળે એ માટેનો પ્રયાસ કર્યો છે. ઘણા જૈન પરિવારો એક-બે બેડરૂમના ફ્લૅટમાં રહેતા હોવાથી તેમને માટે હોમ ક્વૉરન્ટીન થવાનું મુશ્કેલ બને છે, તેઓ અહીં આરામથી રહી શકે છે.

mira road mumbai mumbai news