વરલી : કાર્યક્રમમાં શિવસેનાના યુવા અધ્યક્ષ આદિત્ય ઠાકરેની ગર્જના

01 October, 2019 10:45 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

વરલી : કાર્યક્રમમાં શિવસેનાના યુવા અધ્યક્ષ આદિત્ય ઠાકરેની ગર્જના

વરલીમાંથી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતો આદિત્ય ઠાકરે. તસવીર : આશિષ રાજે

મુંબઈ : રાજકારણ સિવાય હું કંઈ કરી શકતો નથી એમ કહીને ગઈ કાલે શિવસેનાના યુવા અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ આ વિધાનસભાની ચૂંટણીમાં પોતે ઝંપલાવશે એની સ્પષ્ટતા કરી હતી. વરલી વિધાનસભા બેઠક પર લડી રહ્યો હોવાનું આદિત્ય ઠાકરેએ લાલા લજપતરાય કૉલેજમાં ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. આ સાથે જ ઠાકરે-પરિવારમાંથી ચૂંટણી લડનારો આદિત્ય પ્રથમ વ્યક્તિ બનશે.

વરલીમાં ગઈ કાલે લાલા લજપતરાય કૉલેજમાં આયોજિત શિવસેનાના સંકલ્પ મેળાવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શિવસૈનિકોને સંબોધતી વખતે આદિત્ય ઠાકરેએ પોતે વરલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. આ સમયે રશ્મી ઠાકરે અને તેજસ ઠાકરે પણ હાજર હતા. આદિત્યની જાહેરાતની સાથે શિવસૈનિકોએ ‘જય શિવાજી, જય ભવાની’ અને ‘આદિત્ય ઠાકરે આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારા લગાવ્યા હતા.

સેનાના યુવા અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ આ સમયે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન કે વિધાનસભ્ય બનવા માટે કે મારું સપનું સાકાર કરવા માટે હું ચૂંટણી નથી લડી રહ્યો. મારે નવું મહારાષ્ટ્ર નિર્માણ કરવું છે. વરલીને વૈશ્વિક પટલ પર મૂકવું છે. રાજકારણમાં હોઈએ ત્યારે એક નિર્ણયથી તમારા જેવા લાખો લોકોનું ભવિષ્ય ઘડી શકાય છે. આ માટે જ હું ચૂંટણી લડીશ. આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે આ જ સમય છે રાજ્યને કરજમુક્ત, પ્રદૂષણમુક્ત, બેરોજગારીમુક્ત કરવાની સાથે રાજ્યને ઊંચાઈ પર લઈ જવાનો. હું રાજકારણના માધ્યમથી ૮૦ ટકા સમાજકારણ અને ૨૦ ટકા રાજકારણ કરીશ.

એનસીપી આદિત્ય ઠાકરે સામે મજબૂત ઉમેદવાર આપશે
વરલીની બેઠક અત્યાર સુધી એનસીપીની જ રહી છે. સચિન આહીર અહીંથી અનેક વખત વિજયી થયા છે. જોકે સચિન આહીર એનસીપી છોડીને શિવસેનામાં સામેલ થવાથી શિવસેનાએ આ બેઠક પર આદિત્ય ઠાકરેને ઉમેદવારી આપવાનો નિર્ણય લીધો છે. એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે અમે આદિત્ય સામે મજબૂત ઉમેદવાર ઊભો રાખીશું. આથી વરલીમાં આદિત્ય ઠાકરેએ કૉન્ગ્રેસ-એનસીપીનો સામનો કરવો પડશે. એનસીપી દ્વારા બે ઑક્ટોબરે ઉમેદવારોનું લિસ્ટ જારી કરવામાં આવશે.

aaditya thackeray mumbai mumbai news