ડ્રોનની મદદથી પનવેલમાં ટેરેસ પર ભેગા થયેલા ૧૮ની ધરપકડ કરાઈ

25 April, 2020 10:44 AM IST  |  Mumbai Desk | Anurag Kamble

ડ્રોનની મદદથી પનવેલમાં ટેરેસ પર ભેગા થયેલા ૧૮ની ધરપકડ કરાઈ

પનવેલ શહેર પોલીસે ડ્રોનની મદદથી લોકો એકઠા થયા હોવાના લીધેલા ફોટા

લૉકડાઉનમાં એકઠા થતા લોકો પર નજર રાખવા ૨૨ એપ્રિલથી ડ્રોનનો ઉપયોગ કરી હાઉસિંગ સોસાયટીની ટેરેસ પર એકત્ર થતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પનવેલમાં ૨૨ એપ્રિલથી ડ્રોનની મદદથી લોકો પર જમીન ઉપરાંત આકાશમાંથી પણ નજર રાખવામાં આવતાં પોલીસે લૉકડાઉનમાં અકારણ બહાર નીકળનારા તેમ જ એકત્ર થતા ૧૮ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે ટેરેસ પર લોકોના એકઠા થવા બદલ લગભગ ૧૭૪ જેટલી હાઉસિંગ સોસાયટીઓને પણ નોટિસ પાઠવી છે. આ સિવાય કારણ વિના લોકો બહાર નીકળે છે કે નહીં તે ચકાસવા પોલીસ અચાનક જ હાઉસિંગ સોસાયટીઓની મુલાકાત લેવા ઉપરાંત સીસીટીવી કેમેરાના ફુટેજ પણ ચકાસતી રહે છે.

ડ્રોનથી રાખવામાં આવે છે નજર
રસ્તા પર અકારણ ભટકતા લોકો વિરુદ્ધ પોલીસે કેસ નોંધવાની શરૂઆત કરી ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે લોકો પોતાની હાઉસિંગ સોસાયટીઓની છત પર પણ એકઠા થાય છે. પહેલા પોલીસ સાંકડી શેરીઓ અને કન્ટેનમેન્ટ ઝોન પર ડ્રોન દ્વારા નજર રાખતી હતી, પરંતુ લોકો ટેરેસ પર પણ એકઠા થાય છે તે ધ્યાનમાં આવતાં અમે ટેરેસ પર પણ ડ્રોન દ્વારા નજર રાખવાની શરૂઆત કરી હોવાનું પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજયકુમાર લાંગડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
ડ્રોન સર્વેલન્સ બાદ પનવેલ કોલીવાડા વિસ્તારમાંથી લૉકડાઉનનો ભંગ કરવા બદલ ૧૦ વ્યક્તિની ધરપકડ કરી હતી તેમ જ પનવેલની ૧૪ હાઉસિંગ સોસાયટીઓને તેમના સભ્યોને ટેરેસ પર લટાર મારતા રોકવા માટે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.

સીસીટીવી કેમૅરાનો પણ ઉપયોગ
ભુસાર ગલીના ખામકર હાઉસ પર બુધવારે કેટલાક લોકો એકઠા થયા હોવાની પોલીસને માહિતી મળી હતી, પણ તેઓ સ્થળ પર પહોંચે તે પૂર્વે જ તમામ લોકો ત્યાંથી નાસી ગયા હતા. પરિણામે પોલીસે સોસાયટીમાં ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમૅરાના ફુટેજ ચકાસીને તમામની ઓળખ કરી કુલ આઠ વ્યક્તિની ધરપકડ કરી હતી.

anurag kamble panvel mumbai mumbai news coronavirus covid19