મુંબઈમાં આગની ઘટનાઓનો અંત આવશે કે નહીં?

31 December, 2018 09:36 AM IST  |  મુંબઈ

મુંબઈમાં આગની ઘટનાઓનો અંત આવશે કે નહીં?

ગયા વર્ષની 29 ડિસેમ્બરે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગની ગોઝારી ઘટના બાદ આ પ્રકારના બનાવોને રોકવા માટે ફાયર-બ્રિગેડ અને BMCએ સંયુક્ત કાર્યવાહી કરવા માટે ભલે કમર કસી હોય, પરંતુ એમનો દાવો પોકળ પુરવાર થઈ રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે એક વર્ષમાં 32,615 ઠેકાણે ફાયર-સેફ્ટીની તપાસ કર્યા છતાં માત્ર 18 જ વ્યવસ્થાપનોનાં લાઇસન્સ રદ થયાં છે. મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં બનેલી આગની ઘટનાઓ પર ધ્યાન આપીએ તો સત્તાવાર રીતે નવેમ્બર મહિનામાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ ઑક્ટોબર 2017થી નવેમ્બર 2018 સુધીમાં 3425 ઘટનામાં 37 લોકોનો ભોગ લેવાયો હતો તેમ જ છેલ્લા 21 દિવસમાં બનેલી આગની છ ઘટનામાં 21 જણ મૃત્યુ પામ્યા હતા.

જોકે છેલ્લા થોડા દિવસમાં શહેરમાં લાગેલી આગને કારણે ફરી સફાળા જાગેલા પ્રશાસને દસ્તાવેજી કાર્યવાહી પર ભાર મૂકતાં થર્ટીફર્સ્ટની પાર્ટીમાં રંગમાં ભંગ પડવાનાં એંધાણ છે. કમલા મિલ્સ કમ્પાઉન્ડની આગ બાદ નિયમોના આકરા પાલનને ફરજિયાત કરવા છતાં આખા વર્ષ દરમ્યાન બિલ્ડિંગો, મૉલ્સ, થિયેટર, દુકાનો, નાની-મોટી હોટેલો જેવા ઠેકાણે આગ લાગવાનો સિલસિલો કાયમ રહ્યો હતો. ફાયર-સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં એ માટે BMC અને ફાયર-બ્રિગેડ દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવા છતાં નિયમોને અભેરાઈ પર ચડાવવામાં આવ્યા હોવાનો વસવસો RTI ઍક્ટિવિસ્ટોએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : જોગેશ્વરીથી કાંદિવલીના પ્રવાસીઓની વાત ક્યારે સાંભળશે રેલવે-અધિકારીઓ

ગુરુવારે રાતે ચેમ્બુરમાં લાગેલી આગ બાદ BMC પ્રશાસન સમક્ષ નાગરિકોની સુરક્ષા બાબતે અનેક પ્રfન મુકાતાં ગઈ કાલે BMCએ કરેલી કાર્યવાહીના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એ અનુસાર બિલ્ડિંગો, મૉલ્સ, થિયેટરો, દુકાનો, નાની-મોટી હોટેલો જેવા ઠેકાણે આગ લાગવાના ભયને ધ્યાનમાં લેતાં એક વર્ષમાં 32,615 ઠેકાણે ફાયર-સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં એની તપાસ કરવામાં આવી હતી. એમાં 17,730 વ્યવસ્થાપનોને નોટિસ મોકલવામાં આવી હતી તેમ જ 9409 ઠેકાણે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. 2107 નાની-મોટી હોટેલો કે ફૂડ-સ્ટૉલો પર ગેરકાયદે વપરાતા જ્વલંતશીલ પદાર્થોને જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 32 ઠેકાણે સીલ મારવાની કાર્યવાહી કરી હતી અને 18 વ્યવસ્થાપનોનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં.

kamala mills fire mumbai news