મુંબઈ: વડાલામાં મળસકે 21 માળની ઇમારતમાં આગ લાગતાં 15 રહેવાસીઓ ગૂંગળાયા

22 June, 2019 11:34 AM IST  |  મુંબઈ

મુંબઈ: વડાલામાં મળસકે 21 માળની ઇમારતમાં આગ લાગતાં 15 રહેવાસીઓ ગૂંગળાયા

પ્રતીકાત્મક તસવીર

વડાલા (ઈસ્ટ)માં રામનગર વિસ્તારમાં આવેલી ૨૧ માળની એક ઇમારતમાં ગઈ કાલે મળસકે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે ચારે તરફ પ્રસરી ગયેલો ધુમાડો ઊંઘી રહેલા રહેવાસીઓના શ્વાસમાં જતાં તેઓ ગૂંગળામણ અનુભવતાં ફાયરબ્રિગેડના જવાનોએ ઉગારીને તેમને કેઈએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. આગને એક કલાકમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી. પહેલા માળે આગ કેવી રીતે લાગી એ હજી સુધી જાણી શકાયું નથી.

ફાયરબ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ વડાલા-ઈસ્ટના રામનગરમાં આવેલી શ્રી ગણેશ સાંઈ એસઆરએ ઇમારતના પહેલા માળે ગઈ કાલે મળસકે સાડાત્રણ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાનો કૉલ અમને રાત્રે ૩.૩૩ વાગ્યે મળ્યો હતો.

આગને કારણે ફેલાયેલા ધુમાડાને લીધે ૯ મહિલા સહિત ૧૫ રહેવાસી પહેલા માળે અટવાઈ ગયા હતા તેમને ફાયરબ્રિગેડના જવાનોએ ઉગારી લીધા હતા. તેમના શ્વાસમાં ધુમાડો જતાં શ્વાસ લેવામાં તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી સારવાર માટે તેમને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આગને એક કલાકમાં કાબૂમાં લઈ લેવાઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

કેઈએમ હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર શ્રીકાંતે કહ્યું હતું કે સારવાર માટે ઍડ્મિટ કરાયેલા તમામ રહેવાસીઓની સ્થિતિ સ્ટેબલ છે.

આગની ઘટનાની જાણ પોલીસને કરાઈ હોવાથી આગ લાગવાનું કારણ જાણવાની તપાસ પોલીસ કરશે.

બિલ્ડિંગ સીલ કરાતાં ૧૫૦૦ લોકો બેઘર બન્યા

આગને કારણે ૨૧ માળના બિલ્ડિંગમાં રહેવાનું જોખમી બની ગયું હોવાથી આખી ઇમારતને સીલ કરવામાં આવતાં અહીંના ૧૫૦૦ જેટલા લોકો બેઘર બની ગયા છે. તેઓ મદદ માટે વડાલા પોલીસ-સ્ટેશને ગયા હતા. વડાલાના સિનિયર ઇન્સ્પેક્ટર ગંગાધર સોનવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસું માથે છે અને આગને લીધે જોખમી ઘરોમાં રહેવું જોખમી હોવાથી ઇમારતને સીલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મદદ મેળવવા માટે રહેવાસીઓ પોલીસ-સ્ટેશન આવ્યા હતા. તેમને આસપાસની પાલિકાની સ્કૂલમાં રહેવાની ઑફર કરવામાં આવી છે, પરંતુ મોટા ભાગના લોકોએ સગાંસંબંધીઓને ઘરે જવાનો નિર્ણય લીધો છે. બે વૃદ્ધ મહિલાની આગને કારણે તબિયત બગડતાં તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપીને ડિસ્ચાર્જ આપી દેવાયો હતો.’

નિર્માણ હેઠળના યુદ્ધ જહાજમાં આગ

માઝગાવ ડૉકયાર્ડમાં બાંધકામ હેઠળના આઇએનએસ વિશાખાપટનમ યુદ્ધજહાજમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી, જેમાં એક કામગારનું મોત નીપજ્યું હતું. સિટી ફાયરબ્રિગેડના ચીફ અધિકારી પી. એસ. રહાંગદળેના જણાવ્યા અનુસાર સાંજે ૫.૪૪ વાગ્યે અન્ડર કન્સ્ટ્રક્ટેડ નૌકાદળ વિશાખાપટનમમાં આગ લાગી હતી. શિપના બીજા ડેકમાં લાગેલી આગ સંપૂર્ણ જહાજમાં પ્રસરી ગઈ હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ અને ક્વિક રિસ્પૉન્સ વેહિકલ ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યાં હતાં.

યુદ્ધજહાજના બીજા અને ત્રીજા ડેક પર આગ ફેલાઈ હતી. ડૉકયાર્ડ ફાયર ફાઇટર્સ સાથે મળીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. સંપૂર્ણ યુદ્ધજહાજમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને એક વ્યક્તિ આગમાં ફસાઈ હોવાની અમને શંકા છે એમ ફાયરબ્રિગેડના ચીફે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ભાડાં ઘટાડવાની અરજી બેસ્ટ પ્રશાસને મૂકી અને બેસ્ટ કમિટીમાં અટકી પડી

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આગનું કારણ તપાસ બાદ જાણી શકાશે, કારણ કે સૌપ્રથમ ઓછામાં ઓછા નુકસાન સાથે આગને કાબૂમાં લાવવાનું મહત્વનું છે.

mumbai mumbai news wadala