કુર્લાની 8x10ની ઓરડીથી વર્જિનિયા યુનિવર્સિટી સુધી...

15 August, 2019 03:02 PM IST  |  મુંબઈ | વિનોદ કુમાર મેનન

કુર્લાની 8x10ની ઓરડીથી વર્જિનિયા યુનિવર્સિટી સુધી...

જયકુમાર

અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં પાંચ વર્ષની ફુલ્લી પેઇડ પીએચ.ડી માટે શૉર્ટ લિસ્ટ થતાં કુર્લાની ૮બાય૧૦ની ઓરડીમાં રહેતા ૨૪ વર્ષના, મૂળ ગુજરાતના, જયકુમાર વૈદ્યનું સ્વપ્ન સાકાર થયું છે. છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારથી પરચૂરણ કામો કરીને કમાણી કરી લેતો જયકુમાર આજે સ્વાતંત્ર્ય દિને અમેરિકા જવા રવાના થશે ત્યારે એવું કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી કે આ છે આઝાદ ભારતની સાચી સિદ્ધિ. ભારતને માઇક્રો અને નૅનો ટેક્નૉલૉજી ક્ષેત્રે મહાસત્તા બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા અમેરિકા જઈ રહ્યો હોવાનું જયકુમારે જણાવ્યું હતું. જયકુમારે વિદ્યાર્થી જીવનમાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવીને ભણતર પૂરું કર્યું છે. જયકુમારની માતા પાસે મોટી આવકનું કોઈ સાધન કે ગિરવે મૂકવાની સંપત્તિ નહોતી અને કોઈ ગૅરન્ટર પણ નહીં હોવાથી બૅન્કોએ તેને એજ્યુકેશન લોન આપવાનો ઇનકાર કર્યો હતો. ધર્માદા સંસ્થાઓએ તેને મદદ કરી હતી. ઇન્ડિયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સહિત કેટલીક ધર્માદા સંસ્થાઓની વ્યાજમુક્ત નાણાકીય સહાયને આધારે જયકુમારે ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. એ સહાયને સાર્થક પુરવાર કરવા જયકુમારે ઘણો પરિશ્રમ કર્યો હતો.

જયકુમાર એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ત્રણ વર્ષ રિસર્ચ ફેલો બન્યો હતો. હવે તે વર્જિનિયા યુનિવર્સિટીમાં નૅનો ટેક્નૉલૉજીના વિષયમાં સંશોધન માટે જઈ રહ્યો છે. જયકુમારને સ્ટાઇપેન્ડ રૂપે ૨૦૦૦ અમેરિકન ડૉલર મળશે. જયકુમાર હૉસ્ટેલ અને બીજા પરચૂરણ ખર્ચને ૫૦૦ ડૉલરમાં પહોંચી વળશે અને બાકીની રકમ તે તેની માતાને મોકલવા ઇચ્છે છે. નોંધપાત્ર બાબત એવી છે કે તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ત્રણ વર્ષની રિસર્ચ ફેલો તરીકેની કામગીરી દરમ્યાન જયકુમારે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનના ભણતર દરમ્યાન જે ધર્માદા ટ્રસ્ટોએ વ્યાજમુક્ત ધિરાણના રૂપમાં નાણાકીય સહાય કરી હતી એ ટ્રસ્ટોને તેમની રકમ પાછી ચૂકવી દીધી છે.

૮બાય૧૦ ફુટની ઓરડીમાં ઉછેર, એક વડાપાંઉમાં દિવસો પસાર કર્યા

મૂળ ગુજરાતના જયકુમારની માતા સગર્ભા હતી ત્યારે તેને તેના પિતાએ ત્યજી દીધી હતી. ત્યાર પછી માતાએ પરિશ્રમ કરીને કુર્લાની ૮બાય૧૦ ફુટની ઓરડીમાં જયકુમારને ઉછેર્યો હતો. શાળામાં ૩૦૦થી ૭૦૦ રૂપિયા જેટલી ફી ભરી નહીં શકતાં જયકુમારને પરીક્ષાના પેપર લખવા ન દેવાયા હોય એવા બનાવો પણ બન્યા છે. એક વડાપાંઉ ખાઈને દિવસ પસાર કર્યો હોય એવું ઘણી વખત બન્યું છે. સિલિન્ડરમાં ગૅસ ન ખર્ચાય એ માટે રોજ રસોઈ કરવાનું ટાળવા મમ્મી એક જ દિવસમાં ત્રણ-ચાર દિવસ ચાલે એટલી રોટલી બનાવી રાખતી હતી. જયકુમાર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે ઘરમાં પૂરા છ રૂપિયા ન હોય એવું બનતું હતું. એ વખતમાં જયકુમારે ઇલેક્ટ્રૉનિકની દુકાનોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મમ્મીને એક પૅકેજિંગ કંપનીની નોકરીમાં માંડ આઠેક હજાર રૂપિયા પગાર મળતો હતો. જયકુમાર એસએસસી પછી ભણવાનું છોડીને નોકરી કરવા માંડશે એવી તેની મમ્મીની ધારણા હતી, પરંતુ જયકુમારે ભણવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. જયકુમારને કે. જે. સોમૈયા કૉલેજમાં ઍડ્મિશન મળ્યું અને તેના જીવનમાં આશાનો સંચાર થયો હતો. ગ્રેજ્યુએશન પછી લાર્સન ઍન્ડ ટૂબ્રો કંપનીમાં બે મહિનાની ઇન્ટર્નશિપ બાદ જયકુમારે તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં મહિને ૩૦,૦૦૦ રૂપિયાની રિસર્ચ ફેલોની કામગીરી મળી હતી.

mumbai mumbai news kurla vinod kumar menon