ભાઇંદરમાં શાકભાજીના વેપારીએ ‍આત્મહત્યા કરી

18 December, 2019 12:58 PM IST  |  Mumbai Desk

ભાઇંદરમાં શાકભાજીના વેપારીએ ‍આત્મહત્યા કરી

ભાઈંદર-વેસ્ટમાં શિવસેના ગલીમાં આવેલી મહેશનગર ઇમારતના ચોથા માળે રહેતા ૫૧ વર્ષના શાકભાજીના એક વેપારીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું ગઈ કાલે જણાયું હતું. પોતે આ પગલું ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ અધિકારી અને જૂના ભાડૂત તથા તેના પુત્રના ત્રાસને કારણે ભર્યું હોવાનું તેમણે સુસાઇડ-નોટમાં લખ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું કે ભાઈંદરની શિવસેના ગલીમાં આવેલી મહેશનગર-૪ના ફ્લૅટમાં રહેતા શાકભાજી-ટમેટાંના ૫૧ વર્ષના વેપારી રમેશ પાઠકનો મૃતદેહ સવારે ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક રમેશ પાઠકે ૨૦૧૩માં પોતાનો ફ્લૅટ હેવી ડિપોઝિટ પર નયના નામની એક મહિલાને ભાડા પર આપ્યો હતો. અઢી વર્ષ પહેલાં આ મહિલાએ મકાન ખાલી કરી દીધું ત્યારથી મૃતક અને ભૂતપૂર્વ ભાડૂત વચ્ચે વિવાદ ચાલતો હતો. મહિલાનું કહેવું છે કે ડિપોઝિટના રૂપિયા તેને પાછા નથી મળ્યા, જ્યારે મૃતકના પુત્ર ગોપાલનું કહેવું છે કે તેના પિતાએ ડિપોઝિટની રકમ પાછી આપી દીધી છે, પરંતુ મહિલાએ એ ઍગ્રીમેન્ટ પાછું નથી આપ્યું.
મૃતકના પુત્ર ગોપાલે આરોપ કર્યો છે કે સોમવારે ભૂતપૂર્વ ભાડૂત મહિલા, તેનો પુત્ર અને ભાઈંદર પોલીસ સ્ટેશનના ક્રાઇમ વિભાગના અધિકારી કદમ મારા પિતાને ઘરેથી ઉપાડી ગયા હતા. સાંજે પિતા ઘરે આવ્યા ત્યારે તેઓ ભારે ટેન્શનમાં હતા.
થાણે ગ્રામીણ પોલીસના ભાઈંદર વિભાગના એસડીપીઓ ડૉ. શશિકાંત ભોસલેએ આ મામલે કહ્યું હતું કે અમે રમેશ પાઠકની આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. ભૂતપૂર્વ ભાડૂત મહિલા અને તેના પુત્રને પૂછપરછ માટે પોલીસ-સ્ટેશન બોલાવાયાં છે. મૃતકની સુસાઇડ-નોટમાં પોલીસ અધિકારી કદમનું નામ છે. પોસ્ટમૉર્ટમ થયા બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.

Crime News mumbai crime news bhayander mumbai mumbai news