મીરા રોડની બે ટીનેજરનો પોતાના અપહરણનો ડ્રામા

26 January, 2020 09:28 AM IST  |  Mumbai Desk

મીરા રોડની બે ટીનેજરનો પોતાના અપહરણનો ડ્રામા

પ્રતીકાત્મક તસવીર

ટીવી-ચૅનલ પર પ્રસારિત થતી ક્રાઇમ સિરિયલમાંથી પ્રેરણા લઈને મીરા રોડમાં ચોથા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની બે ટીનેજરે અપહરણનું નાટક રચ્યું હતું, પરંતુ પછીથી મીરા રોડ પોલીસે બન્નેની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બન્નેએ અપહરણનું નાટક કર્યું છે એટલે પછીથી જાહેર કર્યું કે આ સમગ્ર કૃત્ય બનાવટી છે, કારણ કે બન્ને છોકરીઓએ સ્કૂલનું હોમવર્ક કર્યું નહોતું અને તેમની ટીચરે તેમના પર ગુસ્સો કરતાં કહ્યું હતું કે તમારાં મમ્મી-પપ્પાને ફરિયાદ કરવામાં આવશે. એનાથી બચવા છોકરીઓએ પોતાનું અપહરણનું નાટક રચ્યું હતું. 

મીરા રોડ-ઈસ્ટની ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં આ બન્ને ટીનેજર અભ્યાસ કરે છે. સ્કૂલમાં ટીચર તેમણે હોમવર્ક પૂરું ન કર્યું એ બદલ બોલ્યા હતા તેમ જ આ વિશે તેમના પેરન્ટ્સને જાણ કરવાની વાત પણ કરી હતી. આ બનાવ વિશે નયા નગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કૈલાસ બર્વેએ જણાવ્યું કે ‘ત્યાર બાદ બન્ને ટીનેજર ચિંતામાં મુકાઈ ગઈ હતી એટલે સ્કૂલમાંથી સાંજે ઘરે જતી વખતે તેમણે મમ્મી-પપ્પાના ક્રોધથી બચવા વિરાર જતી લોકલ પકડી લીધી હતી, એટલું જ નહીં, એમાંથી એક ટીનેજરે વિરારમાં એક લીંબુપાણી વેચનારનો મોબાઇલ લઈને તેના પપ્પાને ફોન કરીને જણાવ્યું કે અમારું એક મહિલાએ અપહરણ કર્યું છે. એટલું સાંભળીને ગભરાયેલાં મમ્મી-પપ્પા તરત પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવવા દોડી આવ્યાં હતાં અને અપહરણનો કેસ નોંધાવ્યો હતો. અમે ત્યાર બાદ તપાસ શરૂ કરી હતી. છોકરીઓ વિરારમાં ફરી હતી અને એ પછી ફરીથી લોકલ ટ્રેન પકડીને મીરા રોડ આવી હતી અને રાતે તેમના એક સંબંધીના ઘરે પહોંચી ગઈ હતી.’

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘છોકરીઓ વિશે અમને માહિતી મળી ગઈ હતી. જોકે જ્યારે અમે છોકરીઓની અલગ-અલગ પૂછપરછ કરી ત્યારે બન્નેએ જુદા-જુદા જવાબ આપ્યા હતા. છોકરીઓએ જણાવ્યું કે ‘‘જ્યારે અમે સ્કૂલથી ઘરે જઈ રહી હતી ત્યારે એક કાર આવી હતી અને એમાં એક માસ્ક પહેરેલો ડ્રાઇવર દેખાયો હતો. એમાં બેસેસી મહિલાએ અમને બન્નેને કારમાં અંદર ખેંચી લીધી હતી અને કાળા કલરની વિન્ડો ઉપર કરી લીધી હતી. અમે ચીસાચીસ કરી હતી, પણ કોઈએ એ સાંભળી નહોતી અને કાર સીધી વિરાર તરફ હંકારી જવામાં આવી હતી. મહિલાએ અમને છરી દેખાડીને ચૂપ રહેવાનું કહ્યું હતું. જ્યારે કાર વિરાર પહોંચી ત્યારે ઑફિસ આવતા લોકોનો ટ્રાફિક હતો. એટલે તક મળતાં અમે દરવાજો ખોલ્યો અને તરત ગિરદીમાં ભળી ગયા હતા. અમે તેમના હાથમાંથી છટકવા માટે મહિલા અપહરણકર્તાના હાથમાં બચકાં પણ ભર્યાં હતાં. ડ્રાઇવરે અમારો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ભીડ જોઈને અને જાહેરમાં કંઈ થવાના ડરથી તેણે પીછો કરવાનું છોડી દીધું હતું અને તે મહિલા સાથે કારમાં બેસીને જતો રહ્યો હતો.’’ જ્યાંથી છોકરીઓનું અપહરણ થયું ત્યાં આસપાસની દુકાનોમાંના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ અમે તપાસ્યાં, પરંતુ કૅમેરામાં આવી કોઈ ઘટના જોવા મળી નહોતી. જોકે પૂછપરછ દરમ્યાન બન્ને છોકરીઓ જુદી-જુદી વાતો કરી રહી હતી, પરંતુ તેમની બૉડી-લૅન્ગ્વેજથી એટલું સ્પષ્ટ થયું હતું કે તેઓએ બનાવટી વાર્તા ઊપજાવી કાઢી હતી. અમે તેમનાં માતાપિતાને સાચું કહ્યું અને કડક ચેતવણી આપીને છોકરીઓને ઘરે મોકલી આપી હતી અને સારા ભવિષ્ય માટે સતત અભ્યાસ કરવાનું કહ્યું હતું. બન્નેનાં માતા-પિતા દૈનિક વેતન મેળવનારાં છે, પરંતુ તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવી રહ્યાં છે. ટેલિવિઝન પરની એક લોકપ્રિય ગુનાહિત સિરિયલથી પ્રભાવિત થઈને એનો વાસ્તવિક જીવનમાં અમલ કરવાનો બન્નેએ નિર્ણય લીધો હતો, પરંતુ પકડાઈ ગઈ હતી.’

mumbai news mumbai