રેલવેમાં ૨૨૫૦૦ કરોડનું રોકાણ આવે એવી સંભાવના

05 January, 2020 11:26 AM IST  |  Mumbai Desk

રેલવેમાં ૨૨૫૦૦ કરોડનું રોકાણ આવે એવી સંભાવના

ભારતીય રેલવે અને નીતિ આયોગે ખાનગી ઑપરેટરોને ૧૦૦ રેલવે-રૂટ પર ૧૫૦ ટ્રેનનું સંચાલન કરવાની મંજૂરી આપવાને લઈને રોડમૅપ તૈયાર કરી લીધો છે. એને લઈને એક ડિઝાઇન-પેપર પણ લવાયું છે જેમાં જણાવાયું છે કે એનાથી ૨૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે.

યાત્રી રેલગાડીઓ શીર્ષકવાળા ડિસ્ક્શન-પેપરમાં કહેવાયું છે કે ૧૦૦ માર્ગોની ઓળખ કરવામાં આવી છે જેના પર ખાનગી કંપનીઓને ૧૫૦ ટ્રેનના સંચાલનની મંજૂરી આપવાથી ૨૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવશે. આ રૂટોમાં મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટણા, અમદાવાદ-પુણે અને દાદર-વડોદરા, ઇન્દોર-ઓખલા, લખનઉ-જમ્મુ તાવી, ચેન્નઈ-ઓખલા, આનંદ વિહાર-ભાગલાપુર, સિંકદરાબાદ-ગુવાહાટી અને હાવડા-આનંદ વિહાર સામેલ છે. આ ૧૦૦ રૂટોને ૧૦-૧૨ જૂથમાં વહેંચાયા છે. દસ્તાવેજ મુજબ, ખાનગી કંપનીઓને પોતાની ટ્રેનમાં બજાર મુજબ ભાડું વસૂલ કરવાની છૂટ હશે.
ખાનગી કંપનીઓ આ ગાડીઓમાં પોતાની સુવિધાના હિસાબે અલગ-અલગ શ્રેણીઓના ડબ્બા લગાવવાની સાથે-સાથે રૂટ પર તેના સ્ટૉપેજવાળાં સ્ટેશનોની પણ પસંદગી કરી શકશે. દસ્તાવેજમાં કહેવાયું છે કે ટ્રેનોના ખાનગીકરણથી આધુનિક ટેક્નૉલૉજી લાવવામાં અને દેખરેખનો ખર્ચ ઓછો કરવામાં મદદ મળશે.
એ ઉપરાંત મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળવાની સાથે જ માગ તેમ જ આપૂર્તિની ખાઈને ઓછી કરવામાં પણ મદદ મળશે. આ દસ્તાવેજ મુજબ ટ્રેનોનું સંચાલન કરનારી સંભવિત કંપનીઓ સ્થાનિકની સાથે-સાથે વિદેશી પણ હોઈ શકે છે.

mumbai mumbai news indian railways