મુંબઈના ફાઇટિંગ સ્પિરિટનો સાક્ષી બનેલો ટ્રેન કોચ મ્યુઝિયમમાં મુકાશે

06 January, 2020 11:12 AM IST  |  Mumbai Desk

મુંબઈના ફાઇટિંગ સ્પિરિટનો સાક્ષી બનેલો ટ્રેન કોચ મ્યુઝિયમમાં મુકાશે

૧૧/૭ના ટ્રેન ધડાકાઓમાં આ કોચને ભારે નુકસાન પહોંચ્યું હતું.

૨૦૦૬ના ટ્રેન-બ્લાસ્ટમાં માટુંગા સ્ટેશને નાશ પામેલો ડબ્બો સીએસએમટીના પ્લૅટફૉર્મ-નંબર ૧૮ પર મુકાશે

મુંબઈની પરાની ટ્રેનમાં ૨૦૦૬ની ૧૧ જુલાઈએ થયેલા સિરિયલ ટ્રેન બ્લાસ્ટમાં કુલ ૭ કોચને નુકસાન પહોંચ્યું હતું, જેમાંથી બે કોચને વધુ નુકસાન થતાં એને તરત જ સર્વિસમાંથી હટાવી દેવાયા હતા, જ્યારે બાકીના પાંચ કોચને એકથી સવા કરોડ રૂપિયાના ખર્ચે રિપેર કરીને ફરી સર્વિસમાં જોડવામાં આવ્યા હતા. આમાંનો છેલ્લો કોચ હવે સર્વિસ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને મુંબઈ શહેરની ફાઇટિંગ સ્પિરિટને પ્રદર્શિત કરતા આ ૧૧/૭ના બ્લાસ્ટના કોચને સીએસએમટીના ઓપન-ઍર હેરિટેજ ગલી મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. મિલૅનિયમ રૅકને કાઢી નાખવામાં આવ્યો હોવાના સમાચાર વચ્ચે આ ન્યુઝ આવ્યા છે ત્યારે એ રૅકની બેહાલી અને એક્ઝિટથી દુખી થયેલા મુંબઈગરા માટે આ ખરેખર સારા સમાચાર છે.
સેન્ટ્રલ રેલવેના પબ્લિક રેલવે ઑફિસર શિવાજી સુતારે કહ્યું હતું કે ટ્રાન્સ-હાર્બર લાઇનમાં સફળ ઇનિંગ પછી આ ટ્રેન ગરિમા સાથે રિટાયર થઈ હતી. અમે આને હવે સીએસએમટીના પ્લૅટફૉર્મ-નંબર ૧૮ પર જાહેરમાં મૂકીશું.
૨૦૦૬ની ૧૧ જુલાઈની ગોઝારી સાંજે ૫.૫૭ વાગ્યાની ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેન માટુંગા સ્ટેશને આવી ત્યારે થયેલા બૉમ્બધડાકામાં ૮૬૪-એ કોચના ફુરચેફુરચા ઊડી ગયા હતા. એના સહિત ૭ ડબ્બા બ્લાસ્ટમાં નુકસાન પામ્યા હતા અને એમાંના પાંચ ડબ્બાને ફરી સેવામાં મૂકવામાં આવ્યા હતા.
જોકે આમાંના ચાર ડબ્બા તબક્કાવાર રીતે સેવામાંથી વિદાય થયા હતા અને અત્યાર સુધી સેવામાં રહેલા એકમાત્ર ૮૬૪-એ કોચને હવે સીએસએમટીમાં જાહેરમાં મૂકવામાં આવશે.

mumbai news indian railways