મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીનનું પહેલાં પુર્નવસન યોજના પછી બીજી વાત

22 January, 2019 11:35 AM IST  |  | રોહિત પરીખ

મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીનનું પહેલાં પુર્નવસન યોજના પછી બીજી વાત

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (MbPT)ની જમીન પર વિશ્વનું સૌથી અદ્યતન સંકુલ બનાવવા માટેના પ્લાનની MbPTની સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટીના અધિકારીઓ તૈયારી કરી રહ્યા છે. જોકે આ પ્લાનની સાથે આ ઑથોરિટીએ MbPTની જમીન પર દોઢસો વર્ષ પહેલાંથી વસેલા અને વ્યવસાય કરી રહેલા લોકોના પુર્નવસન માટે કોઈ જ પ્લાન નથી બનાવ્યો. એથી દારૂખાનાના વેપારીઓએ સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટીની ડ્રાફ્ટ પ્રપોઝલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે MbPTની જમીન પર આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ ઉપરાંત શિવડી નજીક ૩૦૦ એકરના બગીચા ઉપરાંત અન્ય મહત્વાકાંક્ષી યોજનાઓ પાર પાડવા માટે MbPTને સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ દરજ્જો મળવાથી હવે MbPTએ રાજ્ય સરકાર કે BMC પાસે કોઈ જ બાબતની પરવાનગી લેવાની જરૂર નહીં પડે. આ ઑથોરિટી સ્વતંત્રપણે કેન્દ્ર સરકારે તૈયાર કરેલી યોજના પર કામ કરશે.

સ્પેશ્યલ પ્લાનિંગ ઑથારિટીએ MbPTની જમીન પર દોઢસો વર્ષથી વધુ સમયથી લોખંડ અને સ્ટીલનો દારૂખાનામાં બિઝનેસ કરી રહેલા વેપારીઓને ૨૬ જાન્યુઆરી સુધીમાં એણે તૈયાર કરેલી ડ્રાફટ પ્રપોઝલનો લેખિતમાં વિરોધ કરવાનો સમય આપ્યો છે.

આ બાબતની માહિતી આપતાં ધ દારૂખાના આયર્ન સ્ટીલ ઍન્ડ સ્ક્રૅપ મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ રાજીવ ખંડેલવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દારૂખાનાના હજારો વેપારીઓના પુર્નવસન માટે ઑથારિટી પાસે કોઈ જ નક્કર યોજના નથી. આજ દિન સુધી MbPTએ અમને વિશ્વાસમાં લઈને કોઈ જ પુર્નવસન યોજના બનાવી નથી. આ સંજોગોમાં દારૂખાનાના વેપારીઓએ માર્કેટ બંધ થવાથી તેમના સાઉથ મુંબઈના ગ્રાહકોને ગુમાવવા પડે એટલું જ નહીં, આ વેપારીઓ અત્યારે લોન લઈને તેમનો બિઝનેસ કરી રહ્યા છે, તેમની આર્થિક હાલત કફોડી બની શકે છે, જેનાથી વેપારીઓને બૅન્ક અને સરકારી ચુકવણી કરવામાં મુશ્કેલી થઈ શકે છે. આ પરિસ્થિતિમાં અમારા પુર્નવસનનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડ્રાફટ પ્રપોઝલનો અમે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.’

આ પણ વાંચો : મુંબઈ: ટિકિટચેકરે રેલવેને ચોપડ્યો 28 લાખનો ચૂનો

આ ડ્રાફટ પ્રપોઝલનો સામૂહિક લેખિત વિરોધ કરવા માટે અમે આવતી કાલે દારૂખાનાના વેપારીઓ સાથે એક પબ્લિક મીટિંગ કરવાના છીએ. આ જાણકારી આપતાં રાજીવ ખંડેલવાલે કહ્યું હતું કે ‘આવતી કાલે બુધવારે સાંજે ચાર વાગ્યે સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટીની ડ્રાફટ પ્રપોઝલનો સામૂહિક વિરોધ કરવા અમે દારૂખાનાની બીજી લેનમાં આવેલા મેસર્સ શિવ ઓમ સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં અમારી મીટિંગ યોજી છે. આ મીટિંગમાં વેપારીઓ તેમના લેટરહેડ પર ડ્રાફ્ટ પ્રપોઝલનો વિરોધ લખીને લઈ આવશે. બધા વેપારીઓએ આપેલા લેખિત વિરોધની સાથે અમારા કાયદાકીય નિષ્ણાતનો પત્ર પણ સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટીને મોકલવામાં આવશે.’

mumbai port trust mumbai news