રૂપારેલ કૉલેજ અને રુઈયા કૉલેજ વચ્ચે બ્રિજ બાંધવાનો છે પ્લાન

28 February, 2020 10:01 AM IST  |  Mumbai Desk | Chetna Sadadekar

રૂપારેલ કૉલેજ અને રુઈયા કૉલેજ વચ્ચે બ્રિજ બાંધવાનો છે પ્લાન

મુંબઈ મહાનગરપાલિકા મધ્ય મુંબઈમાં દાદરના ટિળક બ્રિજ અને એલ્ફિન્સ્ટન બ્રિજના વિકલ્પ શોધી રહી છે, પરંતુ એ પ્રયાસમાં રેલવે તરફથી પ્રતિસાદ મળતો નથી. હાલના સંજોગોમાં મુંબઈ મહાનગરપાલિકાએ સેનાપતિ બાપટ માર્ગ પર રૂપારેલ કૉલેજ અને રુઈયા કૉલેજ વચ્ચે નવો બ્રિજ બાંધવાની શક્યતા તપાસવા માટે કન્સલ્ટન્ટ કંપની નિયુક્ત કરી છે. એ બ્રિજ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની સબર્બન લાઇન ઉપરાંત મધ્ય રેલવેના યાર્ડની ઉપરથી પણ પસાર થાય એવી અપેક્ષા છે. જોકે ફિઝિબિલિટી રિપોર્ટ માટે સર્વે કરવા વિવિધ પ્રકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે.
હાલમાં લોઅર પરેલનો ડિલાઇલ બ્રિજ બંધ હોવાથી પ્રવાસીઓ ચિંતામાં છે, કારણ કે એ ભાગમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો વાહનવ્યવહાર એલ્ફિન્સ્ટન બ્રિજ અને ચિંચપોકલી બ્રિજની દિશામાં ફંટાય છે. મુંબઈ મહાનગરપાલિકા આવતા મહિને ટિળક બ્રિજનું સમારકામ શરૂ કરવાની હોવાથી વાહનવ્યવહારમાં મુશ્કેલી વધવાની શક્યતા છે. ગયા રવિવારે સાંજે ટિ‍ળક બ્રિજનો નાનકડો ભાગ તૂટી પડ્યો હતો. જોકે એ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. બુધવારે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સીએસએમટીના હિમાલય બ્રિજની દુર્ઘટનાના પુનરાવર્તનનો ભય દર્શાવતાં હોબાળો મચ્યો હતો. એ વખતે એ બે બ્રિજના વિકલ્પ શોધવાનો મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો.
શિવસેનાનાં નગરસેવક વિશાખા રાઉતે જણાવ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક પ્રોજેક્ટ માટે એલ્ફિન્સ્ટન બ્રિજ ઊભો કરવાની જરૂર પડી શકે. જો એ યોજના હાથ ધરવામાં આવે તો બધો બોજ ટિળક બ્રિજ પર આવે. વળી ટિળક બ્રિજના પુનર્બાંધકામની પણ જરૂર છે. એવા સંજોગોમાં વિકલ્પની જરૂર રહેશે. ટિળક બ્રિજ અને એલ્ફિન્સ્ટન બ્રિજ બન્ને સદી જૂના હોવાથી એ બે બ્રિજના વિકલ્પની આ‍વશ્યકતા રહેશે. દાદર-માટુંગા વિસ્તારમાં રૂપારેલ કૉલેજ અને રુઈયા કૉલેજ વચ્ચે બ્રિજ બાંધવાની માગણી અમે ઘણા વખતથી કરીએ છીએ, પરંતુ એ બાબતે મુંબઈ મહાનગરપાલિકા બેદરકાર છે.’

mumbai news mumbai