અપહૃત બાળકને ચાર કલાકમાં છોડાવાયું

28 September, 2019 02:14 PM IST  |  મુંબઈ | દિવાકર શર્મા

અપહૃત બાળકને ચાર કલાકમાં છોડાવાયું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : દક્ષિણ મુંબઈની જેજે હૉસ્પિટલમાં ગઈ કાલે સવારે ગયેલી પૂનમ યાદવના ચાર વર્ષના દીકરાના અપહરણ બાદ પોલીસે ચાર કલાકમાં રે રોડની ઝૂંપડપટ્ટીમાંથી છોકરાને બચાવ્યો હતો અને અપરાધી શબનમ શેખની ધરપકડ કરી હતી. જેજે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પૂનમ યાદવે બપોરે બે વાગ્યે બાળક ખોવાયાની ફરિયાદ નોંધાવ્યા પછી સાંજે ૫.૩૦ વાગ્યે અમે રે રોડના દારૂખાના વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પહોંચીને બાળકને બચાવવા સાથે આરોપી શબનમ શેખને ઝડપી લીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સવારે ૯.૧૫ વાગ્યે ડોંગરીની રહેવાસી ૩૫ વર્ષની પૂનમ યાદવ ક્ષયરોગની તપાસ માટે જેજે હૉસ્પિટલમાં ગઈ હતી. પૂનમ કેસ પેપર્સ માટે કતારમાં ઊભી હતી ત્યારે એનો દીકરો આસપાસ રમતો હતો. બાળક પર કોઈની નજર નહીં હોવાનું શબનમના ધ્યાનમાં આવ્યું હતું. પૂનમ દીકરાને જોઈ ન શકે એ રીતે આડશ બનીને શબનમ ઊભી રહી ગઈ અને એના પંદર વર્ષના દીકરાને રમતા બાળકને ઉપાડીને બહાર નીકળી જવાનો ઇશારો કર્યો હતો. સવારે ૧૦.૩૦ વાગ્યે શબનમનો દીકરો ચાર વર્ષના બાળકને લઈને દોડતો દોડતો મસ્જિદ બંદર રેલવે સ્ટેશને પહોંચ્યો અને ત્યાંથી ટ્રેનમાં રે રોડ સ્ટેશને પહોંચ્યો હતો. બીજી બાજુ શબનમ હૉસ્પિટલમાંથી બહાર આવીને ટૅક્સીમાં રે રોડના દારૂખાના વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પહોંચી હતી.

Crime News mumbai