મીરા રોડની વિવાદાસ્પદ સેવન ઇલેવન ક્લબનો મામલો

22 September, 2019 02:46 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મીરા રોડની વિવાદાસ્પદ સેવન ઇલેવન ક્લબનો મામલો

સેવન ઇલેવન ક્લબ

મુંબઈ : બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ મીરા રોડ પોલીસે ગઈ કાલે સેવન ઇલેવન ક્લબના કથિત ગેરકાયદે બાંધકામના મામલામાં બીજેપીના સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, સેવન ઇલેવન હોટેલના સંચાલક અને ભાગીદાર તથા મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સહિત સંબંધિત મંજૂરી આપનાર અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કર્યો હતો. જોકે હાઈ કોર્ટમાં ક્રિમિનલ પિટિશન કરનારાએ આરોપીઓ સામે પ્રિવેન્શન ઑફ કરપ્શનની કલમો ન લગાવવાથી પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે એસઈટી તપાસની માગણી કરવાનું જણાવ્યું હતું.

મીરા રોડમાં કાણકિયા વિસ્તારમાં બાંધવામાં આવેલી સેવન ઇલેવન ક્લબમાં અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ પર્યાવરણપ્રેમી અને પત્રકાર ધીરજ પરબે બૉમ્બે હાઈ કોર્ટમાં કર્યા બાદ ગુરુવારે કોર્ટે આ મામલામાં તમામ સંબંધિતો સામે એફઆઇઆર દાખલ કરીને તપાસનો આદેશ આપ્યો હતો.
કોર્ટના આદેશને પગલે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે બીજેપીના સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર લાલચંદ મહેતા, સેવન ઇલેવન હોટેલના સંચાલક અને ભાગીદાર તેમ જ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર તથા સંબંધિત અધિકારીઓ સામે આઇપીસીની કલમ ૧૬૬, ૧૬૭ અને ૩૪ તથા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ - ૧૯૮૬ની કલમો ૧૫ અને ૧૭ તેમ જ મહારાષ્ટ્ર પ્રાદેશિક નિયોજન નગરરચના અધિનિયમ ૧૯૬૬ની કલમો ૫૨-૫૩ હેઠળ એફઆઇઆર નોંધ્યો હતો.
મીરા રોડના સિનિયર ઇન્સ્પેક્ટર શેખર ડોંબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હાઈ કોર્ટના આદેશ મુજબ નરેન્દ્ર મહેતા, સેવન ઇલેવન ક્લબના સંચાલક-ભાગીદારો અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સહિત પરવાનગી આપનાર સંબંધિત અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.’
પિટિશનર ધીરજ પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે હાઈ કોર્ટમાં સુનાવણી વખતે એફઆઇઆર નોંધવાના આદેશ પર સ્ટેની માગણી કરી હતી. જોકે ડિવિઝન બેન્ચે તેમની માગણી ઠુકરાવી દીધી હતી. તમામ આરોપીઓ વગદાર હોવાથી તેઓ પોલીસ પર દબાણ લાવીને તપાસમાં રોડાં નાખી શકે છે. આ મામલો ભ્રષ્ટાચારનો હોવા છતાં પોલીસે કરપ્શનની કલમો એફઆઇઆરમાં સામેલ કરી ન હોવાથી હવે હું આ આખા મામલાની એસઆઇટી તપાસની માગણી કરીશ.’

mumbai mumbai news