સારી ફાયર-ફાઇટિંગ સિસ્ટમને લીધે આગ ઝડપથી ઓલવાઈ

15 October, 2019 05:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

સારી ફાયર-ફાઇટિંગ સિસ્ટમને લીધે આગ ઝડપથી ઓલવાઈ

અંધેરીના પેનિન્સુલા પાર્કમાં ગઇ કાલે લાગેલી આગમાં ઇજાગ્રસ્ત. તસવીર: સમીર માર્કન્ડે.

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) અંધેરી-વેસ્ટમાં આવેલા પેનિન્સુલા બિઝનેસ પાર્કના ઇલેક્ટ્રિક ડક્ટમાં ગઈ કાલે બપોરે ૧૨.૫૦ વાગ્યે આગ લાગી હતી. જોકે ત્યાં કામ કરતા હજારો કર્મચારીઓ વધુ ઈજા પામ્યા વિના બચી ગયા હતા, કેમ કે બિલ્ડિંગની ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત હતી અને આગ બુઝાવવામાં કામમાં આવી હતી. જોકે આમ છતાં બિલ્ડિંગમાં કામ કરનારાઓનું કહેવું છે કે અમે કોઈ અલાર્મ સાંભળ્યું નહોતું અને ઉપરના માળેથી કાચ તૂટીને નીચે પડવાની શરૂઆત થઈ ત્યાર બાદ જ અમને આગ લાગ્યાની જાણ થઈ હતી. 

અંધેરીના વીરા દેસાઈ રોડ પર આવેલા બાવીસ માળના પેનિન્સુલા પાર્કના છઠ્ઠા માળે આગ લાગ્યા પછી ફાયરબ્રિગેડ ૧.૧૦ વાગ્યા સુધીમાં પહોંચી ગઈ હોવા છતાં પાર્ક કરેલાં વાહનો ધરાવતા સાંકડા રસ્તા (૧૮ ફીટ)ને લીધે ફાયર-એન્જિન અને ટર્ન ટેબલ લેડર્સને બિલ્ડિંગ સુધી પહોંચવામાં તકલીફ પડી હતી. વેન્ટિલેશનની વ્યવસ્થાને કારણે બિલ્ડિંગમાં ધુમાડો નહોતો ભરાયો એમ ફાયર ફાઇટર્સના એક અધિકારીએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
ફાયરબ્રિગેડે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટૅન્કર, બે ટેબલ ટર્ન લેડર અને એક ઍમ્બ્યુલન્સ રવાના કરાયાં હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

mumbai news andheri