સોસાયટીએ લિફ્ટનો ઉપયોગ કરવાની ના પાડતાં નોકરનું મૃત્યુ

08 October, 2019 03:32 PM IST  |  મુંબઈ ડેસ્ક | દિવાકર શર્મા

સોસાયટીએ લિફ્ટનો ઉપયોગ કરવાની ના પાડતાં નોકરનું મૃત્યુ

૪૦ માળની હાઇરાઇઝ બિલ્ડિંગ અને મૃતક રાજકુમાર ગુપ્તા. તસવીર : બિપિન કોકાટે

મુંબઈ : વરલીમાં આવેલી ૪૦ માળની બહુમાળી ઇમારત આરએનએ મિરાજમાં નવમા માળે બે અને ૩૧મા માળે એક ફ્લૅટ ધરાવતા કનક પોદ્દારે જણાવ્યા મુજબ સોસાયટીના પદાધિકારીઓએ બિલ્ડિંગની ‘એ’ અને ‘બી’ લિફ્ટનો ઉપયોગ ન કરતાં માત્ર ‘સી’ લિફ્ટનો ઉપયોગ કરવા કહ્યું છે, જ્યારે ‘સી’ લિફ્ટ બિલ્ડિંગના જ કોઈ એક માળ પર ખુલ્લી મૂકી દેવામાં આવતી હોવાથી અમારે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. 

પોદ્દારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે બિલ્ડર પાસેથી ફ્લૅટ ખરીદ્યો ત્યારે ઍગ્રીમેન્ટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે અમારે બે વર્ષ સુધી એટલે કે મે ૨૦૧૭ સુધી મેઇન્ટેનન્સ ચૂકવવાનું રહેતું નથી, પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૭માં જ્યારે સોસાયટીનું ગઠન કરવામાં આવ્યું ત્યારે મને મારા નવમા માળના બે ફ્લૅટ્સ માટે જાન્યુઆરી ૨૦૧૭થી બાકી નીકળતા મેઇન્ટેનન્સ પેટે ૩.૬૦ લાખ રૂપિયા ચૂકવવાનું જણાવાયું હતું. મેં વિરોધ કરતાં તેમણે મને લિફ્ટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.’
માત્ર એક ફ્લૅટના મેઇન્ટેનન્સના મહિનાના ૩૦,૦૦૦ રૂપિયા ન ચૂકવવાને કારણે ડિફૉલ્ટરનું લેબલ લગાવીને સોસાયટીએ છેલ્લા કેટલાક સમયથી લિફ્ટનો ઉપયોગ કરવાની ના પાડતાં કામ માટે સતત દાદરા ચડ-ઊતર કરવાની ફરજ પડતાં અમારા ઘરનોકરનું મૃત્યુ થયું હતું.
તેમણે બિલ્ડિંગના ચૅરમૅન મનોજ મણિયાર અને સેક્રેટરી અંકુર લોઢા તથા પ્રૉપર્ટી મૅનેજર જિતેન્દ્ર મિશ્રા વિરુદ્ધ જાણીજોઈને ત્રાસ આપવાનું કાવતરું રચવાની ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે સોસાયટીના પદાધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સોસાયટીમાં કુલ ત્રણ લિફ્ટ છે અને એમાંની એક લિફ્ટ વાપરવાની મનાઈ કરવાથી તેમને લિફ્ટ વાપરતા રોક્યા એમ ન કહી શકાય. પોદારપરિવારે મહિનાઓથી મેઇન્ટેનન્સ ન ચૂકવતાં તેમની ચૂકવવાપાત્ર રકમ ૨૫ લાખ રૂપિયા જેટલી થઈ છે. આ ઉપરાંત પ્રૉપર્ટી-ટૅક્સના ૩૦ લાખ રૂપિયા પણ ચૂકવવાના બાકી છે. તેમની પાસે રૂપિયા વસૂલવા માટે અમારે અન્ય ફ્લૅટધારકોના મેઇન્ટેનન્સમાં ૨૦ ટકાનો વધારો કરવો પડ્યો છે.
કો-ઑપરેટિવ સોસાયટીના કેસમાં નિપુણ ઍડ્વોકેટ વિનોદ સંપટ જણાવે છે કે સોસાયટીનું મેઇન્ટેનન્સ ચૂકવવામાં નિષ્ફળ રહેનારા ફ્લૅટધારકની મૂળભૂત સેવા બંધ કરવાનો સોસાયટીને અધિકાર નથી.

mumbai worli