કૅબિનેટના વિચાર સામે બ્યુરોક્રૅટ્સે વાંધો લીધો એટલે ટ્રેન બંધ નહીં થાય

19 March, 2020 08:06 AM IST  |  Mumbai Desk | Sanjeev Shivadekar

કૅબિનેટના વિચાર સામે બ્યુરોક્રૅટ્સે વાંધો લીધો એટલે ટ્રેન બંધ નહીં થાય

મુંબઇ લોકલ ટ્રેન

મહારાષ્ટ્રના સરકારી અમલદારો લોકલ ટ્રેનો અને માર્ગ વાહનવ્યવહાર સાવ બંધ કરી દેવાથી રાજ્યમાં જનજીવન સહિત સમગ્ર કારભાર ખોરવાઈ જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોરોનાના મુકાબલા માટે અન્ય વિકલ્પોની વિચારણા કરે છે. મુંબઈમાં સંપૂર્ણ લૉકડાઉનને બદલે લોકલ ટ્રેનો ચાલુ રાખવાનું પગલું મહત્ત્વપૂર્ણ ગણાય છે. ટ્રેનો તથા સાર્વજનિક વાહનવ્યવહારનાં અન્ય સાધનો બંધ કરી દેવાના પ્રધાનમંડળના વિચાર સામે સરકારી અમલદારોએ વિરોધ કર્યો હતો. હવે મહા વિકાસ આઘાડીની સરકાર ઑફિસો અને પ્રાઇવેટ કંપનીઓના ‘સ્ટૅગરિંગ ટાઇમિંગ્સ’ રાખવા તથા દુકાનોને એકાંતરે ખુલ્લી રાખવાના વિકલ્પની વિચારણા કરે છે.

સબર્બન ટ્રેનોમાં સખત ભીડ ટાળવાના ઉપાયોની ચર્ચા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રેનો બંધ કરવા સિવાયના અન્ય વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. એ બેઠકમાં હાજરી આપનારા રાજ્યના વરિષ્ઠ પ્રધાને જણાવ્યું હતું કે ‘અમે ટ્રેનો અને રોડ ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ બંધ કરવાના વિકલ્પની તરફેણમાં નથી, પરંતુ ભીડ ઘટાડવાના મુદ્દાને પ્રાધાન્ય આપવું અનિવાર્ય હતું. ટ્રેનો તથા અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભીડ ઘટાડવાનાં તમામ જરૂરી પગલાં લેવા સરકાર સક્રિય છે.’ પ્રધાનમંડળની મંગળવારની બેઠક અનિર્ણિત રહેતાં બુધવારે બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં ઑફિસો અને પ્રાઇવેટ કંપનીઓના ‘સ્ટૅગરિંગ ટાઇમિંગ્સ’ રાખવા તથા દુકાનોને એકાંતરે ખુલ્લી રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
મંગળવારની બેઠકની ચર્ચા બાબતે એમાં ઉપસ્થિત અન્ય એક પ્રધાને જણાવ્યું હતું કે ‘વાહનવ્યવહાર બે દિવસ બંધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પ્રધાનો એ સૂચન સાથે સંમત થયા ત્યારે આઇએએસ અમલદારોએ કહ્યું હતું કે રેલવે તથા ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પૂર્ણપણે બંધ કરવાનું રાજ્ય સરકારને પરવડે એમ છે?’

બુધવારની બેઠકમાં મોટા ભાગના પ્રધાનોએ સરકારી અમલદારોનો મત સ્વીકાર્યો હતો. અમલદારોએ જણાવ્યું હતું કે ‘મુંબઈ અને વિશ્વનાં અન્ય શહેરો વચ્ચે તફાવત છે. વિદેશી શહેરોમાં નાગરિકો માટે ખાદ્યપદાર્થો અને અન્ય જરૂરિયાતોની આગોતરી જોગવાઈ કરવામાં આવી હતી. એ બાબત મહારાષ્ટ્રમાં શક્ય નથી. ભારતમાં ક્યાંય સંપૂર્ણ બંધ શક્ય નથી. સંપૂર્ણ બંધ કરવાથી રોજ કમાઈને રોજ ખાનારા દહાડિયા મજૂરોને મુશ્કેલી થશે.’ અમલદારોનો એ મત નક્કર કારણો પર આધારિત હોવાથી પ્રધાનોને ગળે ઊતર્યો હતો. ઑફિસો અને પ્રાઇવેટ કંપનીઓના ‘સ્ટૅગરિંગ ટાઇમિંગ્સ’ રાખવા તથા દુકાનોને એકાંતરે ખુલ્લી રાખવાના સૂચન માટે સર્વસંમતિ સધાઈ રહી છે. એ સૂચનના અમલથી નાગરિકોને પડનારી તકલીફોને સમજીને એ બાબતની શક્યતાનો અભ્યાસ કરવા મુખ્ય પ્રધાને જણાવ્યું હોવાનું કહેવાય છે.

sanjeev shivadekar mumbai mumbai news mumbai local train mumbai trains covid19 coronavirus