આરે કૉલોનીમાં વૃક્ષોની કતલ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

08 October, 2019 02:57 PM IST  |  મુંબઈ ડેસ્ક

આરે કૉલોનીમાં વૃક્ષોની કતલ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી : (જી.એન.એસ.) દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવી રહેલાં આરે કૉલોનીનાં વૃક્ષોનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આજે વૃક્ષો કાપવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતાં મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો કે વૃક્ષો કાપવાની કામગીરી તાત્કાલિક રોકી દેવામાં આવે. કોર્ટે કહ્યું કે આ કેસમાં જ્યાં સુધી ફૉરેસ્ટ એટલે કે એન્વાયર્નમેન્ટ બેન્ચનો નિર્ણય આવતો નથી ત્યાં સુધી આરેમાં યથાસ્થિતિ રાખવામાં આવે.

હવે આ મામલા પર ૨૧ ઑક્ટોબરે આગામી સુનાવણી થશે. વૃક્ષો કાપવા પર ૧૪ ઑક્ટોબર સુધી રોક ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રજૂ કરતાં તુષાર મહેતાએ કહ્યું કે હવે સરકાર કોઈ વૃક્ષ નહીં કાપે. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર રિપોર્ટ આપે અને કોર્ટને જણાવે કે અત્યાર સુધી આરેમાં કેટલાં વૃક્ષો કાપવામાં આવ્યાં છે.
એની સાથે જ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે આરેમાં વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. એની સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ આ કેસમાં એક પાર્ટી તરીકે સામેલ કરવામાં આવે.
જોકે જસ્ટિસ અરુણ મિશ્રાએ સુનવણી દરમ્યાન એમ પણ કહ્યું કે અમે જે સમજી રહ્યા છીએ એ મુજબ તેમનો વિસ્તાર નૉન ડેવલપમેન્ટ એરિયા છે, પરંતુ ઇકો સેન્સિટિવ વિસ્તાર નથી. સૉલિસિટર જનરલ તુષાર મહેતા મહારાષ્ટ્ર સરકારની તરફથી જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણની સ્પેશ્યલ બેન્ચની સામે હાજર થયા હતા. તેમણે બેન્ચને કહ્યું કે જરૂરિયાતનાં વૃક્ષો કપાઈ ચૂક્યાં છે.
બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરેલ એક અરજીમાં માગણી કરાઈ હતી કે આખા આરે એરિયાને જંગલ જાહેર કરાય. એના પર હાઈ કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે આથી તેઓ એના પર સુનાવણી કરી શકે નહીં. સરકારે આ કેસમાં બે નોટિફિકેશન રજૂ કર્યાં હતાં. એમાંથી એક દ્વારા આરે એરિયાને ઇકો સેન્સિટિવ ઝોનથી અલગ કરી દીધું હતું. કોર્ટે અરજીકર્તાઓના વકીલને કહ્યું કે તમે અમને એ નોટિફિકેશન દેખાડો જેમાં આરે એરિયાને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બહાર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે લૉ સ્ટુડન્ટ્સ તરફથી વૃક્ષોને કાપવાના વિરોધમાં લખેલા પત્રને જનહિત અરજી માનતાં સુનાવણી માટે સ્વીકાર કરતાં રવિવારે સ્પેશ્યલ બેન્ચની રચના પણ કરી દીધી હતી. મેટ્રો શેડ માટે આરે કૉલોનીનાં વૃક્ષોના નિકંદનનો વિરોધ સામાજિક અને પર્યાવરણ કાર્યકરોની સાથે કેટલીય જાણીતી હસતીઓ કરી રહી છે.

aarey colony mumbai