આરોગ્ય મંત્રાલય કોરોના વાઇરસના રોગીઓ માટે ડિસ્ચાર્જ નીતિ ઘડશે

26 January, 2020 09:28 AM IST  |  Mumbai Desk

આરોગ્ય મંત્રાલય કોરોના વાઇરસના રોગીઓ માટે ડિસ્ચાર્જ નીતિ ઘડશે

કોરોના વાઇરસના ચેપ લાગ્યાનાં લક્ષણો ધરાવતા ત્રણ વ્યક્તિના લોહીના નમૂના તપાસવામાં આવ્યા હતા જેમાંથી બે વ્યક્તિની ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું છે, જ્યારે કે એક વ્યક્તિની ટેસ્ટનું પરિણામ આવવાનું હજી બાકી છે. જોકે બીએમસી અને આરોગ્ય મંત્રાલય ડિસ્ચાર્જ પૉલિસી ધરાવતા ન હોવાથી સાવચેતીનાં પગલાંરૂપે એક પણ દરદીને હજી સુધી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. આરોગ્ય મંત્રાલય કોરોના વાઇરસના રોગીઓ માટે ડિસ્ચાર્જ નીતિ ઘડશે ત્યાર બાદ આ રોગીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં લક્ષણો ધરાવતા આ વાઇરસનો ચેપ ધરાવનારા માટે કયા પ્રકારની કાળજી લેવાવી જોઈએ અને કયાં લક્ષણો તે ચેપમુક્ત છે એમ સૂચવે છે એની પૂરતી માહિતી ન હોવાથી આ રોગીઓને હજી થોડા દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે એમ પુણેના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીના ડૉક્ટર પદ્મજા કેસકરે જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરે દ્વારા સ્થિતિની સમીક્ષા
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં ચીનમાં જેણે દેખા દીધી છે તે નવતર કોરોના વાઇરસથી બચવા માટે લેવાયેલાં પગલાંની સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં ખાસ કરીને પ્રવાસીઓને તપાસ કરવા માટે રાજ્યના અૅરપોર્ટ પર હાથ ધરવામાં આવેલાં પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ વાઇરસનાં લક્ષણોમાં તાવ આવવો, ઉધરસ, શ્વાસ લેતી વખતે અવાજ થવો અને ન્યુમોનિયાનો સમાવેશ થાય છે. આ બીમારી કોરોના વાઇરસ ફૅમિલીની છે, જે ભૂતકાળમાં ફાટી નીકળેલા સાર્સ અને મેર્સ જેવા જીવલેણ વાઇરસની નિકટવર્તી છે.
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે ૧૯મી જાન્યુઆરીથી કુલ ૧૭૮૯ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાને નવીન પ્રકારના આ કોરોના વાઇરસની બીમારી સામે લડત આપવા માટે હૉસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની તપાસ પણ કરી હતી.

mumbai mumbai news