બારમાને બદલે રક્તદાન શિબિર

11 July, 2026 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાજિક કાર્યકર રાજીવ દેઢિયાની પ્રાર્થનાસભામાં પરિવારની જાહેરાત

ગઈ કાલે દાદરમાં યોજાયેલી રાજીવ દે‌ઢિયાની પ્રાર્થનાસભા

સમાજસેવામાં હંમેશાં અગ્રેસર રહેલા ૫૩ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન રાજીવ દેઢિયાના નિધન બાદ તેમના પરિવારે તેમની અંતિમ ઇચ્છા મુજબ દેહદાન કર્યા બાદ હવે પરંપરાગત બારમું રાખવાને બદલે બારમાના દિવસે ૧૯ જુલાઈએ થાણે-વેસ્ટના ટ્રૅફલ્ગર સ્ક્વેર, લોઢા સ્ટર્લિંગ અપાર્ટમેન્ટના હૉલમાં રક્તદાન શિબિર યોજવાનો નિર્ણય કર્યો છે. દેઢિયા પરિવારે ગઈ કાલે સવારે દાદરમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં સેંકડો લોકોની હાજરીમાં આ બાબતની જાહેરાત કરીને માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. પરિવારજનોએ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કરીને રાજીવ દેઢિયાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અપીલ કરી હતી.

રાજીવ દેઢિયા

આ સંદર્ભમાં રાજીવ દેઢિયાના પુત્ર અપૂર્વ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા ઘણાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહ્યા હતા. તેમના જીવનની જેમ જ અમે પણ પપ્પાના બારમાના દિવસે બારમું રાખવાને બદલે રક્તદાન શિબિર યોજીને સમાજમાં સેવા, સંવેદના અને માનવતાનો પ્રેરણાદાયી સંદેશ આપવાનો નિર્ણય લીધો છે.’

kutchi community gujarati community news organ donation thane mumbai mumbai news