છત્રી લઈને જજો, પણ મતદાન તો કરજો જ

21 October, 2019 12:32 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

છત્રી લઈને જજો, પણ મતદાન તો કરજો જ

આ તસવીર છે વર્સોવાના મતદાનમથકની. તસવીર : સમીર માર્કન્ડે

મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે મતદાન છે ત્યારે રાજ્યમાં અનેક ઠેકાણે ચોમાસાએ વિદાય લીધા બાદ પણ વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરતાં મતદાન પર એની અસર થઈ શકે છે. આમ પણ માંડ ૬૦ ટકા લોકો મત આપે છે, જેમાં વરસાદનું જોર વધશે તો લોકો ઘરની બહાર નહીં નીકળી શકે અને તો અનેક બેઠકોનાં ગણિત બદલાઈ શકે છે. આમ વરસાદે અનેક નેતાઓની ચિંતા વધારી દીધી છે. જોકે લોકશાહીમાં શ્રેષ્ઠ દાન છે મતદાન અને કેટલો પણ વરસાદ હોય છતાં તમે આ ફરજ નિભાવવાનું ભૂલતા નહીં.

મુંબઈ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે, જે આગામી ૨૪ કલાકમાં હળવાથી મધ્યમમાં ફેરવાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્રણ દિવસથી મુંબઈ અને થાણે સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. કેટલાક ઠેકાણે હળવો તો કોઈક ઠેકાણે પવન સાથે જોરદાર વરસી રહ્યો છે. ગઈ કાલે કોલ્હાપુર, સાતારા, પુણે અને રત્નાગિરિમાં સારોએવો વરસાદ પડ્યો હતો.
સાતારામાં તો રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી. અહીં તથા કોલ્હાપુરનાં કેટલાંક ઘરોમાં વરસાદનાં પાણી ભરાયાં હોવાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. કોલ્હાપુરમાં આજે અને આવતી કાલે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હોવાથી મતદાન પર એની અસર થવાની શક્યતા છે.
આજે મુંબઈ, પાલઘર અને થાણેમાં મધ્યમ વરસાદ; તો પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર, બીડ, ઉસ્માનાબાદ, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જળગાંવ, નાશિક, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, લાતુર અને ઔરંગાબાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ધુળે અને નંદુરબારમાં આકાશ વાદળછાયું રહેશે. એને લીધે આ તમામ જિલ્લાઓમાં વિધાનસભાના મતદાનમાં અસર પહોંચી શકે છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડતાં અનેક મતદાન-કેન્દ્રોમાં કાદવ-કીચડ પથરાયો છે. કેટલેક ઠેકાણે પાણી ભરાયાં હોવાથી યુદ્ધના સ્તરે એને બહાર કાઢવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પુણેનાં કેટલાંક મતદાન-કેન્દ્રોમાં પાણી ભરાવાથી કાદવ પથરાયો છે.
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભાની બેઠકો પર મતદાન હાથ ધરાશે અને ૨૪ ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ૬૩.૨૮ ટકા લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી વધારવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ વખતે વરસાદને લીધે મતદાન પર અસર થવાની શક્યતા છે.

mumbai Election 2019 national news