આત્મહત્યાના પ્રયાસથી બચી જાત, ટ્રાફિકે જીવ લીધો

20 February, 2020 09:36 AM IST  |  Mumbai | Mehul Jethva

આત્મહત્યાના પ્રયાસથી બચી જાત, ટ્રાફિકે જીવ લીધો

મહાનગર મુંબઈનો ટ્રાફિક ખરેખર જીવલેણ નીવડ્યો હોય એવી ઘટના બની છે. મુલુંડમાં રહેતા કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના અને કચ્છના સાધાણ ગામના વતની ૩૫ વર્ષના ફિઝિયોથેરપિસ્ટ જતીન સંઘવીએ ગઈ કાલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘરના સભ્યોનું સમયસર ધ્યાન જતાં તેમણે તરત તેમને હૉસ્પિટલ લઈ જવાની તૈયારી કરી હતી. જોકે નિયતિને કાંઈક બીજું જ મંજૂર હતું. તેને હૉસ્પિટલ લઈ જતી વખતે એવો ટ્રાફિક નડ્યો કે જતીને હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ દમ તોડી નાખ્યો.

યુવકના પરિવારે જણાવ્યું કે જતીન છેલ્લાં ત્રણ વર્ષથી કૅન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હતો.

મુલુંડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ફારુખ મુલાણીએ કહ્યું કે મુલુંડ-વેસ્ટમાં  આશા નગર સ્થિત ગિરિરાજ સોસાયટીમાં રહેતા જતીન સંઘવીએ મંગળવારે બપોરે સાડાબાર વાગ્યે પોતાના બેડરૂમમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જતીન છેલ્લાં ત્રણ વર્ષથી કૅન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને આને લીધે સુસાઇડ કર્યું હોવાની શક્યતા છે. આ મામલે એડીઆર નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.

મૃતકના ભાઈ અભિષેક સંઘવીએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે બની હતી. જતીન પોતાના બેડરૂમમાં ગયો એની દસેક મિનિટ પછી પણ દરવાજો ન ખૂલ્યો એટલે અમને શંકા ગઈ હતી. અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં અમે રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડ્યા બાદ અમને ખબર પડી કે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે એટલે અમે તરત તેને ધન્વંતરી હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જ્યારે અમે તેને સુસાઇડ કરતાં અટકાવ્યો ત્યારે તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. તેને ગાડીમાં બેસાડ્યા બાદ અમે લઈ જઈ રહ્યા હતા ત્યારે પણ શ્વાસ ચાલુ જ હતો, પણ મુલુંડના ગણેશ ગાવડે રોડ પર ટ્રાફિક જૅમમાં કાર અટવાઈ ગઈ એટલે જતીને ત્યાં જ દમ તોડી નાખ્યો હતો. જો ટ્રાફિક ઓછો હોત તો અમે ભાઈને બચાવી શક્યા હોત.

મુલુંડની એક હૉસ્પિટલના ડૉક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે જો આવી ઘટના બને અને શ્વાસ ચાલુ હોય અને હૉસ્પિટલ લઈ જવાય તો બચવાના ચાન્સ ૭૦ ટકા હોય છે, પણ પેશન્ટનું બ્લડપ્રેશર કેટલું છે, તેના હાર્ટ બીટ કેટલા ચાલે છે, તેના મગજ સુધી લોહી પહોંચી રહ્યું છે કે નહીં એ જોઈને જ જીવ બચાવી શકાય કે નહીં એ કહી શકાય.

mumbai mumbai news Crime News mumbai traffic mulund mehul jethva mumbai crime news