ડબલ મર્ડર કેસના આરોપી ચિંતન ઉપાધ્યાયનાં 100 ચિત્રોનું પ્રદર્શન કરાશે

11 August, 2019 02:23 PM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

ડબલ મર્ડર કેસના આરોપી ચિંતન ઉપાધ્યાયનાં 100 ચિત્રોનું પ્રદર્શન કરાશે

ચિંતન ઉપાધ્યાય

પત્ની હેમા અને એના વકીલ હરેશ ભંભાનીની હત્યાના આરોપસર થાણે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા જાણીતા ચિત્રકાર ચિંતન ઉપાધ્યાયનાં ૧૦૦ ચિત્રોનું પ્રદર્શન અને લિલામ દિવાળીએ યોજવામાં આવ્યું છે. ચિત્રોના લિલામ દ્વારા પ્રાપ્ત થનારી રકમનો ઉપયોગ પ્રિઝન વેલફેર ફન્ડમાં કરવામાં આવશે. કલાને જેલની પ્રવૃત્તિઓની યાદીમાં ઉમેરવાનો અનુરોધ કરતો પત્ર રાજ્યના જેલ ખાતાએ મહારાષ્ટ્ર સરકારને લખ્યો છે.

થાણે સેન્ટ્રલ જેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચિંતન ઉપાધ્યાયના પેઇન્ટિંગ્સની ઘણી માગ છે. દિવાળીમાં યોજાનારા પ્રદર્શન અને લિલામ દ્વારા કેદીઓના કલ્યાણ માટેના પ્રિઝન વેલફેર ફન્ડમાં નોંધપાત્ર રકમ પ્રાપ્ત થવાની શક્યતા છે. ૨૦૧૭ના ડિસેમ્બર મહિનામાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની એક સ્કૂલમાં યોજાયેલા પ્રદર્શનમાં ફિલ્મ નિર્માત્રી કિરણ રાવે સાડા ચાર લાખ રૂપિયામાં ચિંતનનું એક પેઇન્ટિંગ ખરીદ્યું હતું. ચિંતને પોતાની કમાણીની ઘણી મોટી રકમ આ પેઇન્ટિંગ્સ માટે ખર્ચી છે. ચિંતનનાં ચિત્રોના પ્રદર્શનો સમગ્ર વિશ્વમાં યોજાઈ ચૂક્યાં છે. ચિંતનને ચાર્લ્સ વૉલેસ ફાઉન્ડેશન અવૉર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.’

ડબલ મર્ડર કેસની સ્થિતિ અને જેલમાં પેઇન્ટિંગ

હેમા અને ચિંતન ઉપાધ્યાય વચ્ચે ૨૦૧૦થી ૨૦૧૫ સુધી છૂટાછેડા અને મિલકત વિશેના બે કેસ ચાલતા હતા. ૨૦૧૫ની ૧૧ ડિસેમ્બરે હેમા ઉપાધ્યાય અને હરેશ ભંભાનીના મૃતદેહો કાંદિવલીના નાળામાં મળ્યા હતા. બન્નેની હત્યાની તપાસને પગલે પોલીસે પ્રદીપ રાજભર, શિવકુમાર રાજભર, વિજય રાજભર અને આઝાદ રાજભર નામના ચાર જણની ધરપકડ કરી હતી. એ ચાર જણનો આગેવાન અને ચિત્રકારોનો મદદનીશ વિદ્યાધર રાજભર નાસી ગયો હોવાથી એની શોધ ચાલે છે. ઉક્ત ડબલ મર્ડરના ત્રણ દિવસ પહેલાં હત્યાનું કાવતરું ઘડવા માટે ચેમ્બુરમાં ચિંતનને મળ્યો હોવાનું પ્રદીપ રાજભરે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જોકે થોડા વખત પછી પ્રદીપે બયાન ફેરવી તોળતાં અદાલતમાં કહ્યું હતું કે એ કબૂલાત એણે પોલીસના દબાણ હેઠળ કરી હતી. ચિંતન વિદ્યાધરને જાણતો હોવાથી એણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ચિંતનને મુશ્કેલીમાં મૂકી શકાય એવી માહિતી આપવાને બહાને હેમાને એક ગોદામમાં બોલાવવામાં આવી હતી. ત્યાં એની હત્યા કરવામાં આવી હતી. પ્રદીપના નિવેદન પછી ૨૦૧૫ના ડિસેમ્બર મહિનામાં ચિંતનની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : શહેરની તમામ વૉર્ડ-ઑફિસમાં ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમથી 24 કલાક નજર રખાશે

અત્યાર સુધીમાં ચિંતનની જામીન માટેની કેટલીક અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. છેલ્લે ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં સર્વોચ્ચ અદાલતે ચિંતનની જામીન માટેની અરજી નામંજૂર કરતાં કેસની કાર્યવાહી નવ મહિનામાં પૂરી કરવાની તાકીદ કરી હતી. મહારાષ્ટ્ર સરકારે નવ મહિનામાં કેસની કાર્યવાહી પૂરી કરવાની સંમતિ દર્શાવી હતી. ચિંતને જેલવાસ દરમ્યાન ત્રણેક વર્ષના ગાળામાં રચેલાં ચિત્રોનાં કેટલાંક પ્રદર્શનો પણ યોજ્યાં છે. ચિંતનનું એક પેઇન્ટિંગ ‘ફ્રીડમ’ ભાયખલા જેલની વહીવટી કચેરીના મીટિંગ રૂમની દીવાલ પર છે.

chintan upadhyay byculla mumbai news thane thane crime mumbai suraj ojha