ઑડિટોરિયમ બંધ કરાતાં ઍન્યુઅલ ફંક્શનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હતાશ

15 March, 2020 10:20 AM IST  |  Mumbai Desk

ઑડિટોરિયમ બંધ કરાતાં ઍન્યુઅલ ફંક્શનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હતાશ

ઑડિટોરિયમ બંધ કરાતાં ઍન્યુઅલ ફંક્શનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હતાશ

કોરોના વાઇરસ ફેલાવાના ડરથી રાજ્ય સરકારે શુક્રવારે મધરાતથી સિનેમા હૉલ, ઑડિટોરિયમ બંધ કરવાના ફરમાનથી અનેક કાર્યક્રમો અચાનક રદ થઈ ગયા છે. ડ્રામા કે મ્યુઝિકના પ્રોગ્રામ તો ઠીક, પણ સ્કૂલનાં ઍન્યુઅલ ફંક્શનો કૅન્સલ થવાથી મહિનાઓથી તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ હતાશ થઈ ગયા છે. ડ્રામા બંધ થવાથી બૅક સ્ટેજમાં છૂટક કામ કરતા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જવાની શક્યતા ઊભી થઈ છે.

મલાડમાં માર્વે રોડ પર આવેલા અસ્પી ઑડિટોરિયમના મૅનેજર ભૌતેશ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારના ફરમાન બાદ અમે શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યાથી તમામ શો કૅન્સલ કરી દીધા હતા. શનિ-રવિમાં અહીં સરેરાશ ત્રણ તો સામાન્ય દિવસોમાં એકથી બે કાર્યક્રમ હોય છે. અમારી જ નૂતન અસ્પી સ્કૂલના આ મહિનામાં ચાર ઍન્યુઅલ પ્રોગ્રામ હતા. વિદ્યાર્થીઓ દોઢેક મહિનાથી તૈયારી કરી રહ્યા છે ત્યારે કોરોના વાઇરસને લીધે ઑડિટોરિયમ બંધ કરાતાં તેઓ હતાશ થયા છે. જોકે અમે માનીએ છીએ કે આવા સંવેદનશીલ મામલામાં દરેકની સલામતીને ધ્યાનમાં રાખીને આયોજકોને કૉલ કરીને ૩૧ માર્ચ સુધીના તમામ શો રદ કર્યા હોવાની માહિતી આપીએ છીએ.’

મુલુંડમાં આવેલા મહાકવી કાલીદાસ નાટ્યમંદિરના મૅનેજર જ્ઞાનેશ્વર કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪થી ૩૧ માર્ચ દરમ્યાન ૩૮ પ્રોગ્રામનું બુકિંગ હતું. ગુજરાતી સમાજથી માંડીને સ્કૂલનાં ઍન્યુઅલ ફંક્શનના કાર્યક્રમો કોરોના વાઇરસને લીધે રદ કરવા પડ્યા છે.’

ગ્રાન્ટ રોડમાં ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસેના શેઠ ગોકુલદાસ તેજપાલ ઑડિટોરિયમના અસિસ્ટન્ટ મૅનેજર કુમાર દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં મહિનામાં ૧૫ ડ્રામા થાય છે. અચાનક ઑડિટોરિયમ બંધ કરાતાં ડ્રામાના પ્રોડ્યુસરો અને ડ્રામા સાથે સંકળાયેલા બૅક સ્ટેજના છૂટક કામ કરતા લોકો આર્થિક મુશ્કેલીમાં આવી શકે છે.’

mumbai mumbai news mulund coronavirus