મુંબઈના ઓછા વોટિંગનું વિલન છે ઇલેક્શન વેકેશન

23 October, 2019 08:38 AM IST  |  મુંબઈ

મુંબઈના ઓછા વોટિંગનું વિલન છે ઇલેક્શન વેકેશન

ફાઈલ ફોટો

મુંબઈમાં સોમવારે ૪૮.૬૨ ટકા જેટલું મતદાન થયું હતું, જે ગઈ ટર્મ કરતાં એક્ઝૅક્ટ ૨.પ૯ ટકા ઓછું છે. મહારાષ્ટ્રની પણ આ જ હાલત હતી. સોમવારે વોટિંગની ટકાવારી આવી ૬૦.૪૬ ટકા, જે ૨૦૧૪ના વિધાનસભાના ઇલેક્શન કરતાં ૨.૯૨ ટકા ઓછું છે. મોટા ભાગનાં રાજ્યોમાં જોવા મળ્યું છે કે ઉત્તરોત્તર વોટિંગ વધી રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં વોટિંગ ઘટ્યું તો એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ છે વેકેશન.

હા, ઇલેક્શન વેકેશન. અનેક મુંબઈગરાઓએ શુક્રવારે રાતે જ મુંબઈ છોડી દીધું હતું અને અઢીથી ત્રણ દિવસનું નાનકડું વેકેશન માણી લીધું હતું, જેની સીધી અસર એ હતી કે મુંબઈની આસપાસના વિસ્તારોનાં રિસોર્ટ્સ હાઉસફુલ હતાં. મોટા ભાગના ગુજરાતીઓએ આ ઇલેક્શન વેકેશન માટે દક્ષિણ ગુજરાત પસંદ કર્યું હતું, જેની પાછળનું કારણ એ કે ગયા વીક-એન્ડમાં માથેરાન અને મહાબળેશ્વરમાં વરસાદ હતો. હા, પંચગિનીમાં રાહત હતી એટલે લોકો વેકેશન માટે ત્યાં ફરવા ગયા હતા. જોકે મોટા ભાગનો ટ્રાફિક દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, સેલવાસ, દમણ અને એની આસપાસનાં રિસોર્ટ્સ પર રહ્યો હતો.

મુંબઈમાં ટૂર-ઑપરેટિંગનું કામ કરતા ઓનેસ્ટ ટ્રાવેલ્સના માલિક ભાવેશ વચ્છરાજાણીએ કહ્યું હતું કે ‘આ વીક-એન્ડ માટે અમે ૧૦૦થી વધુ રિસોર્ટ બુક કર્યાં હતાં. આવો રિસ્પૉન્સ સામાન્ય રીતે દિવાળી પછી જોવા મળે છે. ઇન્ક્વાયરી તો ૫૦૦થી વધારે હતી, પણ એમાંથી કલ્ટિવેટ ઓછી થઈ, જેનાં બે કારણ છે. એક તો લોકોએ ડાયરેક્ટ બુકિંગ પુષ્કળ કર્યાં છે અને બીજું કારણ, બીજા ઑપરેટરને બિઝનેસ ગયો હોય.’

ડાયરેક્ટ બુકિંગ થયાં છે એ વાત બિલકુલ સાચી છે. સેલવાસમાં આવેલા ધી ટ્રીટ રિસોર્ટમાં જઈને ત્રણ દિવસનું વેકેશન માણનારા રવિ પંડ્યા બોરીવલીમાં રહે છે અને સ્ટૉક માર્કેટ સાથે અસોસિયેટ છે. શનિ-રવિની ઑફિશ્યલ રજા અને મન્ડેની વોટિંગની રજાનો લાભ તેમણે વેકેશન તરીકે લીધો. રવિ પંડ્યાના જણાવ્યા મુજબ તેમને આ એક જ રિસૉર્ટમાં ૬ કપલ મુંબઈના મળ્યાં હતાં. દમણમાં આવેલા સિડાડે-દ-દમણ નામના રિસૉર્ટમાં પણ એ જ પરિસ્થિતિ હતી. આ રિસૉર્ટમાં ૧૬ ફૅમિલી મુંબઈની હતી, જ્યારે સૅન્ડી રિસૉર્ટ અને અને ગોલ્ડ બીચ પર પણ એવી જ પરિસ્થિતિ હતી.

દમણ હોટેલ અસોસિએશનના મેમ્બર સતીશ શાહ કહે છે કે ‘આ આખા એરિયામાં મુંબઈ, પુણે અને નાશિકના લોકો વેકેશન માટે આવ્યા હતા. વાપી સુધીના રિસૉર્ટમાં ઓછામાં ઓછા ૫૦૦૦ લોકો હશે એવું મારું અનુમાન છે.’

આ પણ વાંચો : ચૂંટણીના આગલા દિવસે દારૂનો સંગ્રહ કરવાનું ખારના રહેવાસીને ભારે પડ્યું

આ વિસ્તાર ઉપરાંત અનેક લોકો આ ત્રણ દિવસના વેકેશનમાં અમદાવાદ પણ આવ્યા હતા તો અનેક જૈનોએ આ ત્રણ દિવસ દરમ્યાન શંખેશ્વર, મહુડી અને પાલિતાણાની જાત્રાનો લાભ પણ લીધો હતો.

Election 2019 mumbai news mumbai