કોરોનાની સાઇડ ઇફેક્ટ, ફેરિયાઓ વહાલા અને દુકાનદારો કેમ દવલા?

16 March, 2020 08:14 AM IST  |  Mumbai Desk | Bakulesh Trivedi

કોરોનાની સાઇડ ઇફેક્ટ, ફેરિયાઓ વહાલા અને દુકાનદારો કેમ દવલા?

સરકારે કહ્યું કે મૉલ બંધ કરાવો, જ્યારે અમારું તો શૉપિંગ સેન્ટર છે. અમારા શૉપિંગ સેન્ટરમાં અલગ-અલગ ૩૦૦ દુકાનો છે. સરકારે કોરોના વાઇરસની સાવચેતી માટે લીધેલાં પગલાં સામે અમારો વિરોધ નથી. અમારું કહેવું છે કે જો તમે બંધ કરાવો છો તો બધું જ બંધ કરાવો. અમારી સાથે ઓરમાયું વર્તન કેમ? - લલિત જૈન, બોરીવલીના ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરના ચૅરમૅન

કોરોના વાઇરસનો ફેલાવો વધુ ન થાય એ માટે સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. એ માટે કલમ ૧૪૪ (ટોળાબંધી)નો કડક અમલ કરાવાઈ રહ્યો છે. એના ભાગરૂપે મુંબઈના બધા મૉલ ૩૧ માર્ચ સુધી બંધ કરાવાયા છે. ગુજરાતીઓનો ગઢ ગણાતા બોરીવલી-વેસ્ટમાં સ્ટેશન પાસે જ એસ. વી. રોડ પર આવેલા અને હંમેશાં ધમધમતા જાણીતા ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરને પણ પોલીસે બંધ કરાવ્યો હતો, એટલું જ નહીં, જાંબલી ગલીના નાકે આવેલા મોક્ષ પ્લાઝા, વિજય સેલ્સ, ક્રોમા અને અન્ય મૉલ પણ બંધ કરાવી દીધા છે. સામે પક્ષે વેપારીઓનું કહેવું છે કે અમારી સાથે ઓરમાયું વર્તન કેમ રાખો છો?
ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરના ચૅરમૅન લલિત જૈને વેપારીઓ વતી આ વિશે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘સરકારે કહ્યું હતું કે મૉલ બંધ કરાવો, જ્યારે અમારું તો શૉપિંગ સેન્ટર છે. અમારા શૉપિંગ સેન્ટરમાં અલગ-અલગ ૩૦૦ દુકાનો છે. સરકારે કોરોનાની સાવચેતી માટે લીધેલાં પગલાંનો અમારો વિરોધ નથી. અમારું કહેવું છે કે જો તમે બંધ કરાવો છો તો બધું જ બંધ કરાવોને. અમારા ગ્રાહકો અમારું ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર બંધ હોવાને કારણે બાજુની દુકાનોમાંથી ખરીદી કરી રહ્યા છે, એટલું જ નહીં, એસ. વી. રોડ અને ચંદાવરકર રોડ પરની દુકાનો તથા ફેરિયાઓ પણ ધમધોકાર ધંધો કરી રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થના ગેટ પર ખાણીપીણીના સ્ટૉલ પર કીડિયારું ઊભરાય છે. શું ત્યાંથી કરોનો નહીં ફેલાય? જો બંધ કરાવવું જ હોય તો બધું જ બંધ કરાવોને. અમારી સાથે ઓરમાયું વર્તન કેમ રાખો છો.’
લલિત જૈને વધુમાં કહ્યું હતું કે ‘અમે જોઈએ તો કોરોના સામે સાવચેતી રાખવાના ઉપાય યોજવા પણ તૈયાર છીએ. જો એસીને કારણે કોરોના ફેલાતો હોય તો અમે એસી બંધ રાખવા તૈયાર છીએ. દુકાનમાં શેઠ અને કર્મચારીઓ માસ્ક પહેરશે. વળી જે કસ્ટમરે માસ્ક પહેર્યો હશે તેને જ એન્ટ્રી આપીશું. અમે તાવ માપવાનું મશીન પણ મગાવી લીધું છે, જે ગેટ પર જ દુકાનદાર તેના કર્મચારી અને ગ્રાહકને પણ ચેક કરશે કે તેને તાવ છે કે નહીં. જો કોઈને તાવ હશે તો તેને એન્ટ્રી નહીં મળે. અમે તેને મેડિકલ-ટેસ્ટ કરાવવાનું કહીશું. કાં તો બધું જ બંધ કરાવો, કાં તો બધું ખુલ્લું રખાવો અને તેમને સાવચેતીનાં પગલાં લેવાનું કહો. બધાની દુકાન પર હૅન્ડવૉશ હોવું જોઈએ. બધાએ માસ્ક પહેરેલા હોવા જોઈએ. જો સાવચેતીનાં પગલાં લેવાતાં હોય તો પછી સરકારને વાંધો ન હોવો જોઈએ. આમેય ધંધા સાવ ઓછા છે. કર્મચારીઓના પગાર અને ખર્ચા માંડ નીકળે છે. ત્યારે ૧૫ દિવસ સુધી ધંધો બંધ રાખવાનું અમને પરવડે નહીં. જો કાયદો હોય તો બધા માટે એકસરખો હોવો જોઈએ.’
ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર બંધ કરાવવા ગયેલા બોરીવલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ તેમને કહ્યું હતું કે ‘અમે પ્રશાસને આપેલા સાવચેતીના આદેશને કારણે મૉલ બંધ કરાવી રહ્યા છીએ. જે જગ્યાએ વધુ લોકો ભેગા થાય છે એ બંધ કરાવી રહ્યા છીએ. એક જણે એવી પણ દલીલ કરી હતી કે દરરોજ ટ્રેનમાં અને બસમાં લાખો લોકો સફર કરે છે તો શું તમે એ પણ બંધ કરાવશો? ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું કે એ પબ્લિક માટેની ટ્રાન્સપોર્ટની ઇમર્જન્સી સર્વિસ છે એને બંધ ન કરી શકાય. જો તમને મૉલ બંધ ન કરવો હોય તો તમે પ્રશાસનમાં એને માટે રજૂઆત કરી શકો છો. અમે અમને મળેલા આદેશનું પાલન કરી રહ્યા છીએ. વળી કરોના સામે સાવચેતીનાં અમે આ જે પગલાં લઈ રહ્યા છીએ એમાં વળી કાયદામાં સુધારો પણ કરાયો છે. તમે જોઈએ તો એનો અભ્યાસ કરી લો. એ સુધારા મુજબ જો તમે કાયદાનો ભંગ કરતાં પકડાયા તો તમને તરત જામીન પણ નહીં મળે.’
આ સંદર્ભે બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ડૂંબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સરકારનો જ આદેશ હોવાને કારણે મૉલ બંધ કરાવવામાં આવ્યા છે. તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે વેપારીઓએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ શા માટે મૉલ બંધ કરી રહ્યા છો એમ પૂછતાં અમે તેમને કહ્યું હતું કે સરકારી આદેશ હોવાથી અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. બોરીવલીના બધા જ મૉલ બંધ કરાવવામાં આવ્યા છે. અમે તેમને સરકારી આદેશ પણ બતાવ્યો હતો.’

જવાનનગર દ્વારા સભ્યોને તાકીદ
ઇન્દ્રપ્રસ્થની બાજુમાં આવેલા જવાનનગરમાં નીચે શૉપિંગ સેન્ટર છે અને ઉપર રહેણાક છે. જવાનનગર સોસાયટીએ સોસાયટીના સભ્યો જેમાં શૉપિંગ સેન્ટરના દુકાનદારોનો પણ સમાવેશ છે તેમને બધાને કોરોનાનો સંસર્ગ થયો હોય તો શું તકેદારી રાખવી એ માટેની માહિતી નોટિસબોર્ડ પર જ લગાડીને સભ્યોને માહિતગાર કર્યા છે.

mumbai coronavirus mumbai news