શ્રી મલાડ દાલ મિલમાં અનેક કચ્છીઓનાં નાણાં સલવાયાં છે

14 February, 2020 12:15 PM IST  |  Mumbai Desk | Bakulesh Trivedi

શ્રી મલાડ દાલ મિલમાં અનેક કચ્છીઓનાં નાણાં સલવાયાં છે

કચ્છી વીસા ઓસવાળ સમાજના અનેક મધ્યમવર્ગીય લોકોના કરોડો રૂપિયા મલાડ-વેસ્ટમાં વર્ષોથી શ્રી મલાડ દાલ મિલ ચલાવતા મૂળ કચ્છના ગુંદાલાના હસમુખ રાંભિયા અને તેમના પરિવાર પાસે ફસાયા છે. કવીઓ સમાજના રોકાણકારોનાં ફસાયેલાં નાણાં પાછાં અપાવવા કચ્છી ફાઉન્ડેશનનું કચ્છી સહિયારું અભિયાન પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં તેમણે હસમુખ રાંભિયા સાથે ૮થી ૧૦ મીટિંગો કરી છે. અભિયાને આહ્‍‍વાન કર્યું છે કે જે રોકાણકારોનાં નાણાં હસમુખ રાંભિયા પાસે ફસાયાં હોય તેઓ શનિવારે સાયનની કચ્છી સહિયારું અભિયાનની ઑફિસે આવીને મળી જાય અને તેમની વિગતો આપે જેથી તેમનો સંપર્ક કરી એ માટેની રજૂઆત કરીને નાણાં પાછાં મેળવવાના પ્રયાસ થઈ શકે.

કચ્છી સહિયારું અભિયાનના ધીરજ છેડા (એકલવીર) અને અનિલ ગાલાએ ‘મિડ-ડે’ને આ બાબતે કહ્યું હતું કે ‘કવીઓ સમાજના નાના અને મધ્યવર્ગના અનેક રોકાણકારોના અંદાજે ૩૦થી ૩૫ કરોડ રૂપિયા સમાજના ૭ નાણાદલાલો દ્વારા તેમની પાસે રોકવામાં આવ્યા હતા જે અટકી ગયા છે. એ નાણાં તેમણે રાંભિયા સુપર માર્કેટ, શ્રી મલાડ દાલ મિલ અને તેમની અન્ય કંપનીઓના નામે સ્વીકાર્યાં હતાં. અનેક નાના રોકાણકારોનાં નાણાં એમાં સલવાઈ ગયાં છે. અમે તેમની સાથે ૮-૧૦ મીટિંગ કરી હતી જેથી કોઈક રસ્તો નીકળે અને રોકાણકારોને તેમનાં નાણાં પાછાં મળે, પણ એ મીટિંગ પછી પણ ફાઇનલ ઉકેલ આવ્યો નથી. તેમણે મલાડના માલવણીમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવ્યું છે, પણ એ હાલમાં વેચાતું નથી. તેમણે એવી ઑફર મૂકી હતી કે એ ફ્લૅટ વેચીને હું નાણાં પાછાં આપી દઈશ. જોકે એવું કહેવાય છે કે એ મકાનને હજી ઓ.સી. જ મળ્યું નથી. તેમણે જે મકાન બનાવ્યું છે એની બાજુમાં જ તેમની ૧૦,૦૦૦ સ્ક્વેર મીટરની જમીન હોવાનો અને ગોરાઈમાં ૮ એકર જમીન હોવાનો દાવો તેમણે કર્યો છે. એ વેચીને પણ અમે રોકાણકારોનાં નાણાં પાછાં આપીશું એવાં આશ્વાસન તેમણે અનેક વાર આપ્યાં છે, પણ એ બધાં જ ફેલ થયાં છે. હજી સુધી તેમણે નાણાં ચૂકવ્યાં નથી. હવે તેઓ ફોન પર પણ લેતા નથી કે વાત પણ કરતા નથી.’

હસમુખ રાંભિયાના પરિવારનો વર્ષોથી મલાડમાં શ્રી મલાડ દાલ મિલ નામે કરિયાણાનો બિઝનેસ છે. એમાંથી ત્યાર બાદ તેમણે એને ડેવલપ કરીને સુપર માર્કેટ બનાવી છે. એ ઉપરાંત તેમણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ઝંપલાવ્યું હતું. બિઝનેસ ડેવલપ કરવા અને ડાયવર્સિફાય કરવા તેમણે લોકો પાસેથી નાણાં વ્યાજે લીધાં હતાં. કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના અનેક લોકોએ તેમને નાણાં આપ્યાં હતાં. કેટલાંક વર્ષ સુધી એના પર ૧૨થી ૧૫ ટકા જેટલું વ્યાજ આપ્યા બાદ તેમણે વ્યાજ આપવાનું પણ બંધ કરી દીધું છે, એટલું જ નહીં, મુદ્દલ પણ પાછી નથી આપી રહ્યા.

mumbai mumbai news