ડ્રાઇવરને રડતો જોઈને ચોરે રૂપિયા પાછા આપ્યા

02 May, 2020 09:36 AM IST  |  Nagpur | Agencies

ડ્રાઇવરને રડતો જોઈને ચોરે રૂપિયા પાછા આપ્યા

આઠ હજાર રૂપિયા પાછાં કર્યા ટ્રાન્સફર

લૉકડાઉનમાં બધા પરેશાન છે ત્યારે બૅન્કના ખાતામાંથી કોઈ આર્થિક છેતરપિંડી કરીને બધી રકમ તફડાવે તો શું હાલત થાય? અહીંના એક મિની ટ્રક ડ્રાઇવરના અકાઉન્ટમાંથી કોઈ હૅકરે ૧૫ હજાર રૂપિયાની ઉચાપત કરી હતી. જાણ થયા બાદ ડ્રાઇવરે હૅકરને ફોન કરીને પોતાની સ્થિતિની જાણ કરવાની સાથે તે રડવા લાગ્યો હતો, જેથી હૅકરે તેની ઉપર દયા કરીને તેના બૅન્ક ખાતાની માહિતી લઈને તેના અકાઉન્ટમાં આઠ હજાર રૂપિયા પાછા જમા કરાવ્યા હતા.
પોતાના ખાતામાંથી ૧૫ હજાર રૂપિયા કોઈકે ટ્રાન્સફર કરી લીધા હોવાનું ધ્યાનમાં આવતાં મિની ટ્રક ડ્રાઇવરે તેને જે નંબર પરથી મેસેજ આવ્યો હતો એના પર ફોન જોડીને કહ્યું હતું કે ભાઈ મેં તારું શું બગાડ્યું છે? હું એક સામાન્ય ટ્રક ડ્રાઇવર છું, મેં તારો શું ગુનો કર્યો છે? મેં એક-એક રૂપિયો કરીને આ રૂપિયા બચાવ્યા છે. લૉકડાઉનમાં તેં આ રકમ ફાસ્ટૅગના નામે કાપી લીધા છે. તને શરમ આવવી જોઈએ. રૂપિયા લઈને તેં મારો જીવ લઈ લીધો છે.
ડ્રાઇવરને રડતો જોઈને તે જેની સાથે વાત કરતો હતો તે ચોરનું હૃદય પીગળ્યું હતું. તેણે ડ્રાઇવર પ્રમોદ સિંહે ફાસ્ટૅગ રિન્યુ કર્યું હતું ત્યારે તેનું બૅન્ક-અકાઉન્ટ હૅક કરીને તેના અકાઉન્ટમાંથી ૧૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ડ્રાઇવરની વ્યથા સાંભળ્યા બાદ તેણે કહ્યું હતું કે ભાઈ, તું રડ નહીં. હું તારા રૂપિયા પાછા આપું છું. અકાઉન્ટની ડીટેલ મોકલાવ. ટ્રક ડ્રાઇવરે તેના પર વિશ્વાસ કરીને બૅન્કની માહિતી આપતાં સામેની વ્યક્તિએ તેના અકાઉન્ટમાં પાંચ હજાર અને ત્રણ હજાર મળીને આઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ હૅકર દિલદાર નીકળ્યો, પણ બધા આવા ન હોય. આથી નાગપુર પોલીસે સૌને આહવાન કર્યું છે કે ઑનલાઇન વ્યવહાર કરતી વખતે ખૂબ સાવધાની રાખવી. તમારી નાનકડી ભૂલથી અકાઉન્ટ ખાલી થઈ શકે છે.

mumbai mumbai news nagpur Crime News