Maharashtra Election Results 2019: પડે એ પવાર નહીં

25 October, 2019 07:41 AM IST  |  મુંબઈ | સંજીવ શિવાડેકર

Maharashtra Election Results 2019: પડે એ પવાર નહીં

શરદ પવાર

મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રચારસભા સામે એક વ્યક્તિ તો ચોક્કસ ભારે પડી હોવાનું પરિણામના ટ્રેન્ડ પરથી સાબિત થયું છે. ૮૦ વર્ષની વયે પણ ઝંઝાવાતી પ્રચાર કરીને ૫૦થી પણ વધુ બેઠક અપાવીને પક્ષને અડીખમ ઊભો રાખનારા એનસીપીના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં પક્ષને ૨૦૧૪ (૪૧ બેઠક) કરતાં પણ વધુ બેઠકો ૨૦૧૯માં અપાવીને સાબિત કર્યું છે કે બંદે મેં હૈ દમ.

મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ શરદ પવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ઘમંડી સરકારને મતદારોએ રિજેક્ટ કરી છે.’ ૨૦૧૪માં બીજેપી-સેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા અને એ સમયે બન્નેએ ૧૮૪ બેઠક પરથી વિજય હાંસલ કર્યો હતો. આ વખતની ચૂંટણીમાં બન્ને પક્ષને ૧૫૭ બેઠક મળી હતી. આના પરથી એક વાત ચોક્કસ સાબિત થઈ રહી છે કે સરકારની રચના થાય તેના પક્ષમાં જનતા નહોતી એ‍વું પવારે વધુમાં જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકમાંથી એનસીપી ૧૨૧ અને કૉન્ગ્રેસ ૧૪૭ બેઠક પરથી લડ્યા હતા. ચૂંટણીની જાહેરાત થઈ એના થોડા દિવસ પહેલાં અનેક દિગ્ગજ નેતાઓ બળવાખોરી કરીને દુશ્મનની છાવણીમાં ગયા એને કારણે પક્ષને ઘણો ફટકો પડ્યો હતો. આમ છતાં, શરદ પવારે વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી-સેનાની સામે બાથ ભીડી હતી. ખેડૂતોને દુકાળ અને પૂર જેવી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે સરકારે માત્ર આશ્વાસનો જ આપ્યાં હોવાનું પવારે પોતાની પ્રચાર-રૅલીમાં કહીને સરકારને આડે હાથ લીધી હતી. જોકે શરદ પવારનું નામ ઈડીના કેસમાં આગળ આવ્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.
રાજ્યમાં કૉન્ગ્રેસી નેતાઓની વચ્ચે થયેલી લડાઈને ઉકેલવામાં જો સફળતા મળી હોત તો પરિણામ આનાથી તદ્દન વેગળું હોત. આટલું જ નહીં, ગાંધી પરિવાર ઉમેદવારોની રૅલીમાં પ્રચાર કરવામાં નિષ્ફળ ગયું હતું. આને કારણે કૉન્ગ્રેસને ઓછી બેઠકો આવી હતી એવું એનસીપીના એક વરિષ્ઠ નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.

sharad pawar Election 2019 nationalist congress party mumbai news