મુંબઈ: નૅશનલ પાર્કમાં પ્રાણીઓના શિકારનો મળ્યો પુરાવો

15 January, 2019 10:05 AM IST  |  | Ranjeet Jadhav

મુંબઈ: નૅશનલ પાર્કમાં પ્રાણીઓના શિકારનો મળ્યો પુરાવો

શિકારી સકંજામાં : રેન્જ ફૉરેસ્ટ ઑફિસર રાજેન્દ્ર પવાર અને સંજય ગાંધી નૅશનલ પાર્કની ટીમ સાથે આરોપી શિકારી બ્લુ અને વાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે.

મુંબઈના ગૌરવસમા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં શિકાર કરવા ગયેલા શિકારીની ઍરગન સાથે ધરપકડ કરવામાં આવી હતી. થાણે ક્રાઇમ બ્રાન્ચે સંજય ગાંધી નૅશનલ પાર્કના સત્તાધીશો સાથે મળી શિકારીને પકડવાનું ઑપરેશન પાર પાડ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે ડિસેમ્બરમાં યેઉર રેન્જનાં ગાઢ જંગલોમાં લગાવાયેલા કૅમેરા-ટ્રેપમાં શિકારીનો ફોટો કૅપ્ચર થયો હતો. શિકારી પાસેથી મળી આવેલી મોટી ઍરગન પ્રાણીઓનો શિકાર કરવા વપરાતી હોય છે.

સંજય ગાંધી નૅશનલ પાર્કની ઑથોરિટી સાથે થાણે ક્રાઇમ બ્રાન્ચે મળી આ ઑપરેશન પાર પાડ્યું હતું એમ જણાવતાં વનવિભાગના અધિકારીએ કહ્યું હતું કે ‘ફોટોમાં દેખાયેલા શિકારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. શિકારી સાથે તેના ગ્રુપમાં બીજી કેટલી વ્યક્તિઓ જોડાયેલી છે એ વિશે પણ તપાસ કરવામાં આવશે.’

ગયા મહિને ગોરેગામના ફિલ્મસિટીમાંથી મૃત દીપડો અને સાબર મળી આવ્યા બાદ જંગલમાં પ્રાણીઓના શિકારની પ્રવૃત્તિ થતી હોવા બાબતે શંકા ગઈ હતી. આખા જંગલમાં લગાવવામાં આવેલા કૅમેરા-ટ્રૅપનો વનવિભાગ દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમને જોવા મળ્યું હતું કે એક શિકારી નૅશનલ પાર્કના પ્રતિબંધિત એરિયામાં ગન સાથે ફરી રહ્યો હતો. એક મહિનાથી પોલીસ અને નૅશનલ પાર્ક દ્વારા આ વિશે તપાસ ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક શંકાસ્પદ લોકોની હજી પણ શોધખોળ ચાલી રહી છે.

sanjay gandhi national park mumbai news