નવી મુંબઈના મૅરથૉન રનરની પોતાના નવજાત બાળકને જોવાની તાલાવેલી

16 August, 2019 11:26 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

નવી મુંબઈના મૅરથૉન રનરની પોતાના નવજાત બાળકને જોવાની તાલાવેલી

સાગર તેની પુત્રી સાથે

મૂળ સાંગલીના અને હાલ નવી મુંબઈના ઉળવેમાં રહેતા મૅરથૉન રનરે પોતાના નવજાત સંતાનનું મોઢું જોવા માટે ૧૫ કિલોમીટર દોડવાની અને પૂરનાં પાણીમાંથી પસાર થવા સહિતની વિઘ્નદોડ પાર કરી હતી. મોર્નિંગ સ્ટાર ઇન્ડિયા કંપનીના સીનિયર ડેટા ઍનાલિસ્ટ સાગર પાટીલને ૧૨ ઑગસ્ટે એની પત્નીની કૂખે બાળકીના જન્મની ખબર મળ્યા પછી એ ભારે વરસાદને કારણે સાંગલી કોલ્હાપુરમાં ભયાનક પૂર આવ્યા હોવાની હકીકત ભૂલીને ઘરની બહાર નીકળી પડ્યો હતો. ૩૨ વર્ષના દોડવીર સાગર પાટીલની પત્ની પ્રસૂતિ માટે સાંગલી જિલ્લાના ઇસ્લામપુર સ્થિત વતનના ઘરમાં હતી.
૧૨ ઑગસ્ટે સવારે સાગરને ફોન પર ખબર મળી કે એની પત્નીની કૂખે કન્યારત્ન અવતર્યું છે. પરોઢિયે પાંચ વાગ્યે એ ફટાફટ બૅગ પૅક કરીને ઉળવેના ઘરેથી નીકળી પડ્યો. પહેલાં ટ્રેન પકડી અને પછી બસમાં પુણે પહોંચ્યો. ત્યાર પછી બપોરે અઢી વાગ્યે કરાડ પહોંચ્યો ત્યારે આગળનો પ્રવાસ ખૂબ વિકટ હોવાનો ખયાલ આવ્યો. સાંગલી પહોંચવા માટે કોઈ વાહન ઉપલબ્ધ નહોતું, પરંતુ સાગરે વરસાદ કે પૂરની પરવા કર્યા વગર આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો.
દીકરીના પ્રથમ દર્શન માટેના પ્રવાસ વિશે સાગર પાટીલે જણાવ્યું હતું કે ‘પહેલાં તો મારે કેવી રીતે ઘરે પહોંચવું એ સમજાતું નહોતું. સાંગલીની દિશામાં જતી મોટરકારોને જોઈ. મેં કેટલીક કાર તથા અન્ય વાહનોમાં લિફ્ટ માગી પણ કોઈએ વાહન ન રોક્યું. એ સંજોગોમાં મેં બાળપણથી મારામાં રહેલા સ્પોર્ટ્સમૅનના કૌશલ્યોને જાગ્રત કર્યા. મૅરથૉન્સમાં દોડી ચૂક્યો હોવાથી એ દોડની આવડત વાપરવાનું નક્કી કર્યું. કરાડથી ૧૫ કિલોમીટર દોડ્યો અને ત્યાર પછી કેટલાક કિલોમીટર સુધી પૂરનાં પાણીમાંથી પસાર થયો. બે બાઇકર્સે લિફ્ટ આપતાં પાંચ કિલોમીટરનું અંતર પાર કર્યું. ફરી ચાર કિલોમીટર દોડ્યો અને સાંજે છ વાગ્યે હૉસ્પિટલમાં પહોંચ્યો ત્યારે મને થાકનો અહેસાસ નહોતો. સમગ્ર પ્રવાસમાં દીકરીનાં પ્રથમ દર્શનની તાલાવેલી હતી. એથી હૉસ્પિટલમાં પહોંચીને દીકરીને રમાડવા માટે હાથોમાં લીધી ત્યારે પારાવાર આનંદની અનુભૂતિ થતી હતી.’
સાગર પાટીલ ૨૦૦૮માં કૉલેજમાં હતો ત્યારથી રાષ્ટ્રીય સ્તરની અનેક દોડ સ્પર્ધાઓમાં સહભાગી થઈ ચૂક્યો છે. ૨૦૧૫ સુધીમાં એણે મૅરથૉન્સ દોડવાનું શરૂ કર્યું અને ગયા વર્ષે મુંબઈ મૅરથૉનનું ૪૨ કિલોમીટરનું અંતર સાડા ત્રણ કલાકમાં પાર કરીને ચંદ્રક મેળવ્યો હતો. હવે સાગર બોસ્ટન મૅરથૉનમાં દોડવાની તૈયારી કરી રહ્યો છે.

mumbai sangli