કૂતરાનાં 9 બચ્ચાંઓને ડ્રેનેજમાં ફેંકી દેનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ FIR

04 November, 2019 03:40 PM IST  |  મુંબઈ | સમીઉલ્લા ખાન

કૂતરાનાં 9 બચ્ચાંઓને ડ્રેનેજમાં ફેંકી દેનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ FIR

કૂતરાનાં બચ્ચાં

૧૦ દિવસ પહેલાં જન્મેલા કૂતરાનાં બચ્ચાંઓને ગટરમાં ફેંકી દેવાના ગુનામાં નાલાસોપારામાં આવેલા અગરવાલ નગરી હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રહેતા એક ફ્લૅટના માલિક, સિક્યૉરિટી ઇન્ચાર્જ અને સફાઈ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના કર્મચારીઓએ ફરિયાદના આધારે મુખ્ય આરોપીઓને સોસાયટીમાં જઈ શોધી કાઢ્યા હતા અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તુલિંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા અગરવાલ નગરી હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રહેતા શિવમ સિંઘના કહેવાથી પહેલી નવેમ્બરે સિક્યૉરિટી ઇન્ચાર્જ અર્જુન રાયે સફાઈ કર્મચારી રાજેન્દ્રને સોસાયટીમાં જન્મેલાં કૂતરાનાં બચ્ચાંઓને ફેંદી દેવા કહ્યું હતું. રાયના કહેવા અનુસાર રાજેન્દ્ર સોસાયટીથી ૧૦૦ મીટર દૂર આવેલી એક ડ્રેનેજમાં તમામ ૯ બચ્ચાંઓને ફેંકી આવ્યો હતો.

એ સોસાયટીમાં ઍનિમલ ફીડર તરીકે કામ કરતી નીશા નિકમે ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના મિતેશ જૈનને ફોન કરી બચ્ચાંઓ લાપતા હોવાની માહિતી આપી હતી. માહિતીના આધારે મિતેશ જૈને આરોપીઓને શોધી કાઢ્યા હતા. જોકે, રેસ્ક્યુ દરમ્યાન ૯ બચ્ચાંઓ પૈકી એક બચ્ચું મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. તમામ બચ્ચાંઓને ૨૪ કલાક બાદ તેમની માતા સુધી પહોંચાડ્યાં હતાં.

mumbai news nalasopara vasai mumbai crime news Crime News samiullah khan